ચોમાસા દરમિયાન વાહનવ્યવહારની સુવિધા માટે અનાવલ–લસણપોર–કુમકોતર–કાંકરિયા રોડ પર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
અનાવલ–લસણપોર રોડ પર ઝાડ-ઝાંખરાં દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના માર્ગોને વાહનવ્યવહાર માટે સુરક્ષિત, સરળ અને સુગમ રાખવાના રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે અનાવલ–લસણપોર–કુમકોતર–કાંકરિયા રોડ પર જંગલ કટીંગ તેમજ પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ખાડા, એજ બ્રેક, સપાટીનું ધોવાણ તથા અન્ય નાના-મોટા નુકસાન જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, માર્ગની બંને બાજુ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા, ઘાસ, વેલાઓ અને જંગલી વનસ્પતિના કારણે વાહનચાલકો માટે ખાસ કરીને વળાંકવાળા વિસ્તારો, કલ્વર્ટ અને પુલો નજીક દ્રશ્યતા ઘટી જતાં વાહનવ્યવહારમાં મુશ્કેલી સર્જાતી હતી. નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર માર્ગના શોલ્ડર વિસ્તાર, સાઇડ ડ્રેન અને કલ્વર્ટ નજીકથી તમામ જંગલી વનસ્પતિ દૂર કરી માર્ગની સંપૂર્ણ પહોળાઈ પુનઃ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
વરસાદી પાણીના ઝડપી અને સરળ નિકાલ માટે સાઇડ ડ્રેનો તથા કલ્વર્ટોની સફાઈ હાથ ધરી JCB અને અન્ય આધુનિક મશીનરીની મદદથી ગાદ, માટી અને અન્ય અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી માર્ગ પર પાણી ભરાઈ રહેવાથી થતું નુકસાન અટકાવી શકાય. આ સાથે જ, માર્ગ પરના તમામ ખાડાઓ અને નુકસાનગ્રસ્ત સ્થળો પરથી લૂઝ મટિરિયલ દૂર કરી Ecofix Mix મટીરિયલ વડે ગુણવત્તાસભર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. પેચવર્ક બાદ યોગ્ય લેવલિંગ અને રોલર દ્વારા કડક કોમ્પેક્શન કરીને માર્ગની સપાટીને મજબૂત તથા સમતળ બનાવવામાં આવી રહી છે. વિભાગના આ ત્વરિત અને સઘન પગલાંથી આ વિસ્તારના વાહનચાલકો તથા સ્થાનિક રહીશોને ચોમાસા દરમિયાન પણ સલામત અને ભયમુક્ત વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ થશે.





