મહુવા અને અંબિકા તાલુકામાં શિક્ષણ મુદ્દે વિરોધ પ્રદર્શન: પોલીસે આયોજકોની કરી અટકાયત; ડીટેન કર્યા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ખબર મળતાં યુવાનોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો!
સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકામાં આજરોજ જાગૃત નાગરિકો અને યુવાનો દ્વારા શિક્ષણ વ્યવસ્થાના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાજ્યમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ, શિક્ષણની કથળતી સ્થિતિ તથા સરકારી શાળાઓ બંધ કરવાની નીતિ સામે જનજાગૃતિ લાવવાના હેતુથી ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન યોજાયા હતા.
આ વિરોધ પ્રદર્શન મહુવા તાલુકાના બિરસા મુંડા સર્કલ (મિયાપુર) ખાતે યોજાયું હતું, જેમાં ૧૦૦થી પણ વધુ સ્થાનિક યુવાનો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦:૦૦ કલાકથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં પ્રદર્શનકારીઓએ પેપર લીક રોકવા અને સરકારી શાળાઓના સંરક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે આયોજકો સહિત વિરોધ કરી રહેલા યુવાનોની અટકાયત (ડીટેન) કરી હતી.જોકે, વાતાવરણમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ દ્વારા ડીટેઈન કરાયા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર યુવાનો સુધી પહોંચ્યા. આ સમાચાર મળતાં જ ડીટેઈન કરાયેલા યુવાનો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો. આ રાજીનામાને પોતાની નૈતિક જીત ગણાવીને યુવાનોએ ધૂમધામથી ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો અને સમગ્ર માહોલને ઉત્સવમાં ફેરવી નાખ્યો હતો.યુવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષણ વ્યવસ્થામાં યોગ્ય સુધારો નહીં આવે ત્યાં સુધી તેમનું આ અહિંસક આંદોલન ચાલુ રહેશે.




