મારણની લાલચ ભારે પડી!: મહુવાના મિયાપુરમાં વનવિભાગની જાળમાં ફસાઈ અઢી વર્ષની માદા દીપડી
મહુવાના મિયાપુરમાં અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ
દૂધ મંડળી પાછળના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હતી અવરજવર, મારણની લાલચે વનવિભાગે ઝડપી
મહુવા: મહુવા તાલુકાના મિયાપુર ગામે દૂધ મંડળી પાછળના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળતી અઢી વર્ષની માદા દીપડી આખરે વનવિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં કેદ થઈ ગઈ હતી. પશુઓ પર હુમલાની આશંકા અને ગ્રામજનોમાં ફેલાયેલા ભયને ધ્યાનમાં રાખી વનવિભાગે મારણ મૂકી પાંજરું ગોઠવ્યું હતું.
દીપડી મારણ ખાવાની લાલચે પાંજરામાં પ્રવેશતા કેદ થઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડીને સુરક્ષિત રીતે કબજામાં લઈ જરૂરી આરોગ્ય તપાસ બાદ યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વનવિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી દેખાય તો તેની નજીક ન જવું, ભીડ એકત્રિત ન કરવી અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવી. દીપડીના સલામત રેસ્ક્યુથી ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.




