વહેવલમાં અનોખી સામાજિક પહેલ: સ્વ. પરભુભાઈ પટેલની યાદમાં સ્વજનોને ભેટમાં અપાયા ફળાઉ છોડ

SHARE:

વહેવલમાં અનોખી સામાજિક પહેલ: સ્વ. પરભુભાઈ પટેલની યાદમાં સ્વજનોને ભેટમાં અપાયા ફળાઉ છોડ

વહેવલ: સ્વ. પરભુભાઈ પટેલની બારમાની વિધિમાં રોપા વિતરણ કરી પરિવારે આપ્યો અનોખો સંદેશ
​અંબિકા(સુરત)
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સમાજ સુધારક તરીકે અગ્રણી સ્થાન ધરાવતા અને વહેવલ ગામના વતની સ્વ. પરભુભાઈ બુધાભાઈ પટેલનું ગત ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ અવસાન થયું હતું. આજે તેમની બારમાની વિધિ પ્રસંગે પરિવારે ઉપસ્થિત લોકોને ફળાઉ રોપાઓનું વિતરણ કરીને પર્યાવરણ અને સમાજ માટે એક નવો અને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો છે.
​સ્વ. પરભુભાઈ પટેલે તેમના જીવનકાળ દરમિયાન વહેવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સ્થાપક પ્રમુખ, મહુવા તાલુકા ગ્રામ સેવા સમાજ (કચ્છોલી)ના ટ્રસ્ટી, તેમજ પૂર્વ જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્ય તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. આ ઉપરાંત, અનાવલ હાઈસ્કૂલ, સહકારી રાઈસ મિલ, પ્રિન્ટિંગ પ્રેસ, પિયત મંડળીઓ અને અનાવલ જંગલ મંડળીમાં વિવિધ હોદ્દાઓ પર રહીને તેમણે વિસ્તારના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. વહેવલના જંગલના વિસ્તાર અને સંવર્ધનમાં પણ તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું.
​આજે વહેવલના નવા આશ્રમ ફળિયા સ્થિત તેમના નિવાસસ્થાને મુશળધાર વરસાદ વચ્ચે યોજાયેલી બારમાની વિધિમાં મોટી સંખ્યામાં સગા-સંબંધિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. પરભુભાઈના વૃક્ષો પ્રત્યેના લગાવને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવાર દ્વારા ઉપસ્થિત લોકોને આંબો, ચીકુ, જામફળ અને સીતાફળ જેવા ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
​આ પ્રસંગે તેમના શિક્ષક પુત્ર સુરેશભાઈ અને શિક્ષિકા પુત્રી હેમલતાબેને જણાવ્યું હતું કે, “અમારા પિતાજીએ આજીવન સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ મારફતે અનેક પરિવારોને આર્થિક તથા શૈક્ષણિક રીતે પગભર કર્યા છે. ફળાઉ રોપા એ એવું રોકાણ છે જે આવક, આરોગ્ય અને પર્યાવરણ—ત્રણેય રીતે ફાયદાકારક છે. આ રોપાઓનું વિતરણ એ જ અમારા પિતાજીને સાચી શ્રદ્ધાંજલિ છે.”
​પરિવારની આ અનોખી અને પર્યાવરણપ્રેમી પહેલને સમગ્ર વિસ્તારના લોકો મુક્તમને બિરદાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!