મહુવા સુગરના સત્તાધીશો ઝૂક્યા: શેરડીના ભાવમાં ₹250નો વધારો, હવે નવો ભાવ ₹3351 જાહેર
સભાસદોના ભારે રોષ અને સૂત્રોચ્ચાર બાદ લેવાયો નિર્ણય

દક્ષિણ ગુજરાતની અન્ય સુગર ફેક્ટરીઓની તુલનામાં મહુવા સુગર દ્વારા શેરડીનો સૌથી ઓછો ભાવ જાહેર કરાતા ખેડૂત સભાસદોમાં ફાટી નીકળેલા ભારે રોષ સામે અંતે વહીવટદારોએ નમતું જોખવું પડ્યું છે. સભાસદોની ઉગ્ર રજૂઆત બાદ બોર્ડ મિટિંગમાં શેરડીના ભાવમાં ₹250નો વધારો કરી નવો ભાવ ₹3351 નક્કી કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયથી સંસ્થાને મોટું આર્થિક ફટકો પડવાની શક્યતા છે.
ગત મંગળવાર, 31 માર્ચના રોજ મહુવા સુગર ફેક્ટરી દ્વારા પિલાણ સિઝન 2025-26 માટે ટન દીઠ ₹3101 ભાવ અને ₹11 કપાત જાહેર કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતની અન્ય ફેક્ટરીઓ કરતા આ ભાવ ઘણો ઓછો હોવાથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી હતી. સોશિયલ મીડિયા પર સંચાલકોની આકરી ટીકા થઈ હતી અને સભાસદોએ ચેરમેન-વાઈસ ચેરમેન વિરુદ્ધ ‘ચોર છે’ ના નારા લગાવી વાતાવરણ ગરમાવ્યું હતું.મોટી સંખ્યામાં એકઠા થયેલા સભાસદોએ ફેક્ટરીના વહીવટ સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બે કલાક સુધી ચાલેલી ઉગ્ર દલીલો બાદ સંચાલકોએ નવો ભાવ જાહેર કર્યો હતો.જોકે, હજુ પણ કેટલાક સભાસદો આ ભાવથી પૂર્ણપણે સંતુષ્ટ નથી, પરંતુ ફેક્ટરીની નુકશાનીની સ્થિતિ જોતા હાલ મામલો શાંત પડ્યો છે.

નવો ભાવ: ₹3351 (ટન દીઠ)
વધારો: ₹250
(અગાઉના ₹3101 પર)
કપાત: ₹26 નક્કી કરવામાં આવી.
સમયગાળો: ઓક્ટોબર થી ફેબ્રુઆરી સુધીના પિલાણ માટે લાગુ.

અઢી કલાકની લાંબી બેઠક બાદ નવો ભાવ પર ખેડૂત સભાસદોએ સહમતી આપી હતી.જોકે અઢી કલાક સુધી સભાસદોએ બોર્ડ રૂમ બહાર ઉભા રહી સુગરના ચેરમેન વાઈસ ચેરમેન વિરુદ્ધ હાઈ હાઈ ના નારા લગાવી ચેરમેન વાઈસ ચેરમેનના કારભાર સામે રોષ વ્યકત કર્યો હતો.





