ઉત્તરપ્રદેશના ૩૭ વર્ષીય બ્રેઈનડેડ દિપક પશુપતિનાથ ગુપ્તાના અંગદાનથી ત્રણને મળશે નવજીવન
સ્વ.દિપકના હ્રદય અને બે કિડનીનું દાન: નવી સિવિલ થકી કુલ ૯૧મું સફળ અંગદાન
‘અંગદાન મહાદાન’ની ભાવનાને સાકાર કરતો ગુપ્તા પરિવાર: નવી સિવિલ થકી આજ સુધીમાં ૯ હ્રદયના દાન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૬નું દ્વિતીય અને કુલ ૯૧મું સફળ અંગદાન થયું છે. મૂળ ઉત્તરપ્રદેશના ૩૭ વર્ષીય બ્રેઈનડેડ દિપક પશુપતિનાથ ગુપ્તાના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને હ્રદય અને બે કિડનીનું દાન કર્યું હતું. જેના થકી ત્રણ જરૂરીયાતમંદોને નવજીવન મળશે. આ સાથે નવી સિવિલ થકી આજ સુધીમાં ૯ હ્રદયના દાન થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના ગરવાર તાલુકાના શાહપુરના વતની અને સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય દિપક ગુપ્તા રિક્ષા ચલાવીને ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા.૨૭મી જાન્યુ.ના રોજ સવારે ૦૫.૦૦ વાગ્યે અઠવાગેટ પાસે કૂતરાને બચાવવા જતા રિક્ષા પલટી જતા દિપકભાઈને ઈજા પહોંચી હતી. ત્યાંથી ઘરે પરત આવી પત્ની અને ભાઈ સાથે નવી સિવિલમાં સારવાર અર્થે આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર લઈ ઘરે આવ્યા બાદ સાંજે તબિયત ફરી લથડતા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગંભીર હાલત હોવાથી ઈમરજન્સીમાં દાખલ કરી વધુ સારવાર માટે આઈસીયુમાં શિફ્ટ કર્યા હતા. તા.૩૦મીએ સવારે ૭.૦૦ વાગ્યે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ દિપકના માતા-પિતા, પત્ની, ભાઈ-બહેન, મિત્રોને તેમજ પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
પિતા પશુપતિનાથએ કહ્યું કે, એક પિતા માટે પોતાના સંતાનને ગુમાવવું એ દુનિયાનું સૌથી મોટું દુ:ખ છે. પરંતુ અંગદાનથી કોઈનું જીવન બચાવી શકાય અને કોઈને નવું જીવન મળશે તો કોઈકના ધબકારામાં કે કોઈકના સ્મિતમાં પણ જીવંત રહેશે. આવી ભાવના સાથે ભારે હૈયે પરિવારજનોએ અંગદાનની સહમતિ આપી હતી.
બ્રેઈનડેડની બે કિડનીને IKDRC હોસ્પિટલ- અમદાવાદમાં અને હ્રદયને યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પરપ્રાંતીય પરિવારમાં અંગદાનની આગવી સમજ અને ઉમદા ભાવના જોવા મળી હતી. રાત્રે અંગદાતાની પ્રાર્થનાસભામાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા, ડો.નિલેશ કાછડિયાએ ઉપસ્થિત રહી સાંત્વના સાથે પરિવારની સેવાભાવનાને વંદન કર્યા હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખે સાંત્વન સંદેશ પાઠવ્યો હતો.
ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.





