Traffic Tail

રાજ્યના પશુપાલન વિભાગ તથા સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરત ખાતે ૭મા ‘તાપી અશ્વ શો-૨૦૨૬’નો પ્રારંભ

SHARE:

રાજ્યના પશુપાલન વિભાગ તથા સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરત ખાતે ૭મા ‘તાપી અશ્વ શો-૨૦૨૬’નો પ્રારંભ

અડાજણ ખાતે ચાર દિવસીય ‘તાપી અશ્વ શો’ને કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ખુલ્લું મુકાયું

 કાઠિયાવાડી, કચ્છી અને સિંધી નસલના અશ્વના સંવર્ધન માટે સરકાર બ્રીડિંગ સેન્ટરો સ્થાપવા ઉત્સુક
 ગુજરાતની અશ્વ સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર પ્રયાસરત
:કૃષિ, પશુપાલન મંત્રી

અશ્વ શોમાં ટેન્ટ પેગિંગ, બેરલ રેસ, સંગીત ખુરશી, હોર્સ ડાન્સ, ગરો લેવો જેવી સ્પર્ધાઓ યોજાશે

૨૫૦થી વધુ મારવાડી, કાઠિયાવાડી અને સિંધી નસલના અશ્વો આકર્ષણનું કેન્દ્ર

ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતના અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’ને કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. ચાર દિવસીય અશ્વ શોમાં ટેન્ટ પેગિંગ, બેરલ રેસ, ગરો લેવો, સંગીત ખુરશી, હોર્સ ડાન્સની સ્પર્ધાઓ યોજાશે. સુરતના આ આંગણે અંદાજે ૨૫૦ જેટલા ઉત્કૃષ્ટ અશ્વોના શૌર્ય અને સુંદરતા જોવા મળશે.
આ પ્રસંગે કૃષિ, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અશ્વ એ આપણા શૌર્ય અને શુભનું પ્રતીક છે, અને અશ્વો પ્રત્યેની લાગણી અજોડ હોય છે. આ અશ્વ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અશ્વ નસલોનું સંવર્ધન અને સંરક્ષણ કરવાનો છે. પશુપાલકોને પ્રોત્સાહન મળે અને નવી પેઢી આપણી ભવ્ય અશ્વ સંસ્કૃતિથી પરિચિત થાય તેવો આ શો ના માધ્યમથી અમારો પ્રયાસ છે.
ગુજરાતની અશ્વ સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર પ્રયાસરત એમ જણાવી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, ગુજરાતમાં અશ્વ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આ હોર્સ શોની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાઠિયાવાડી, કચ્છી, રાજસ્થાની અને સિંધી જેવી વિવિધ બ્રીડના જતન માટે હોર્સ સોસાયટીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
રાજ્ય સરકાર દર વર્ષે રાજ્યમાં ત્રણ હોર્સ શોનું આયોજન કરશે, આ માટે આગામી બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. સુરત વિસ્તારમાં ખાસ કરીને સિંધી નસલના ૬૦૦થી વધુ ઘોડાઓ છે. આ સાથે વિવિધ નસલના સંવર્ધન માટે રાજ્ય સરકાર અને હોર્સ સોસાયટીઓ સાથે મળીને નવા ‘બ્રીડિંગ સેન્ટરો’ સ્થાપવા માટે પણ ઉત્સુક છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વ્યક્તિગત અશ્વપાલક હોય કે સોસાયટી; અશ્વોની રખેવાળી અને સેવા કરતા તમામ અશ્વપ્રેમીઓને મંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે, પશુપાલન વિભાગ હંમેશા તેમની પડખે ઉભો છે અશ્વપાલનના શોખ અને સંરક્ષણને પ્રોત્સાહિત કરીશું. મંત્રીશ્રીએ અશ્વપાલકોને નવા સૂચનો સાથે ખુલ્લા મને સરકાર પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, નગરસેવિકા ઉર્વશીબેન, સુરત હોર્સ સોસાયટીના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ હસુભાઈ પટેલ, સુરતના વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો. કે.એમ.ડામોર, જિ.પં.ના નાયબ પશુપાલક નિયામક ડો. મયુર ભીમાણી, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નાયબ પશુપાલક નિયામક ડો.ડી.સી.ચૌધરી, અગ્રણી અનુભાઈ તેજાણી, નરેન્દ્રભાઈ રીબડીયા, હિમાંશુભાઈ કતારગામવાલા, વિરલ પટેલ, વિજયસિંહ વાઘેલા, જયવીરસિંહ ગોહિલ, નાગેશભાઈ, પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત અશ્વપ્રેમીઓ ઉપસ્થિત હતા.

ભારતીય મૂળની વિશિષ્ટ નસલોના અશ્વ આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં આયોજિત અશ્વ શોમાં મુખ્યત્વે મારવાડી, કાઠિયાવાડી અને સિંધી નસલના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાંથી પણ જાતવાન અશ્વોનો તેમજ અશ્વ પ્રેમીઓનો મેળાવડો જામ્યો છે. અશ્વોની રેવાલ ચાલ, રૂપ અને શારીરિક સૌષ્ઠવને (બ્રિડ શો) આધારે વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!