મહુવાના તરસાડી ગામની સીમમાં આવેલ કંપનીમાં લાગી ભીષણ આગ….
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના તરસાડી ગામની સીમમાં આવેલી પ્લેન્ટી ફ્યુઅલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. નામની કંપનીમાં તારીખ 29/01/2026 ના રોજ સાંજે અંદાજે 6 વાગ્યાના સુમારે આકસ્મિક રીતે આગ લાગી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ આગની ઝપેટમાં કંપનીમા કામ કરતા ત્રણ મજૂરો આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા.આગમાં દાઝેલ સાકીરભાઈ કાંતુભાઈ હળપતિ (ઉં.વ.22, રહે. તરસાડી),બાદલભાઈ નરેશભાઈ હળપતિ (ઉં.વ.24, રહે. તરસાડી) અને આજમભાઈ મોહમદ રાહિલ (ઉં.વ. 24, રહે. આશિયાના નગર, બારડોલી) તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ પર કાબુ મેળવવા બારડોલી ફાયરની મદદ લેવામાં આવી હતી.બારડોલી ફાયરની ટીમે ઘટના સ્થળે આવી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક તપાસમાં આગને કારણે કંપનીમાં રાખેલ કાચો માલ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી.કંપનીના સંચાલક નિરજભાઈ સત્યનારાયણ સોમાણીએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


