આગામી ૧૫મીએ પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ મહુવા તાલુકાના તરસાડીમાં માલીબા કેમ્પસ ખાતે યોજાશે
વિવિધ વિભાગોની કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભ હાથો હાથ અપાશે
વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને આદિમ જૂથને સંબોધશે
* જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે પીએમ જન-મન કાર્યક્રમ અંગેની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈઃ
સમગ્ર દેશમાં આદિમ જૂથના લોકો સાથે ખાસ કરીને નબળા આદિમ જૂથમાં સમાવેશ કોટવાળીયા-કાથોડી, કોલધા લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્વની મૂળભૂત યોજનાઓનો લાભ મળે તે માટે અને લાભથી વંચિત રહી ગયેલા છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાના બહુઆયામી અભિયાન પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી ૧૫મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સમગ્ર દેશની સાથે સુરત જિલ્લામાં પણ મહુવા તાલુકાના તરસાડીમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટી સ્થિત માલીબા કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમની વ્યૂહરચના અને આયોજન અમલવારી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં ૯૮૫૪ આદિમજુથના પરિવારોને મહા અભિયાન હેઠળ શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા,અન્ન યોજના, પીવાનું પાણી, પીએમ આવાસ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્યમાન કાર્ડ, વીજળી, આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, જાતિના દાખલા, વિવિધ યોજનાઓના લાભોના હુકમ પત્રોનુ વિતરણ કરવામાં આવશે.
બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ‘પીએમ જનમન’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમજૂથના તમામ પરિવારોને ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવામાં આવી રહ્યું છે. આવા પરિવારો સમાજની મુખ્ય ધારામાં સામેલ થાય એ મુખ્ય હેતુ છે. કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગના પ્રસાર-પ્રચાર માટે જાગૃતિના સ્ટોલ્સ તેમજ જે તે વિભાગના લાભો આદિમ જૂથને આપવા તથા મંજૂરી પત્રો આપીને સુનિશ્ચિત કરવા તેમજ લાભોથી વંચિત રહ્યા હોય અને યોજનાકીય સહાયથી વંચિત આદિમ જૂથના સભ્યોને ત્વરિત લાભ આપવા, નોંધણી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





