મહુવા, અંબિકા અને બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના અધૂરાં કામો ઝડપથી પૂર્ણ કરવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાનો આદેશ.

SHARE:

મહુવા વિધાનસભા મતવિસ્તારમાં પાણીની સુવિધાઓના આયોજન અને અધૂરાં કામો સંદર્ભે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
—-
ગ્રામ્ય વિસ્તારોની પાણી સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપતા ધારાસભ્ય
—-
મહુવા વિધાનસભા મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા અને પાણી સંબંધિત પડતર સમસ્યાઓના સમયસર નિરાકરણના હેતુથી આજે મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મહુવાના અસ્મિતા ભવન ખાતે યોજાયેલી બેઠકમાં મહુવા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત આવતા મહુવા, અંબિકા અને બારડોલી તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો તથા તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ત્રણેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા સંબંધિત ઉપલબ્ધ સુવિધાઓ, અધૂરી રહેલી કામગીરીઓ તેમજ અગાઉ કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, દરેક ગ્રામ પંચાયત પાસેથી ગામમાં પાણીની કઈ સુવિધાઓની અછત છે, ક્યાં નવી સુવિધાઓ ઊભી કરવાની જરૂરિયાત છે તેમજ કઈ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું બાકી છે તે અંગેની વિગતો મેળવવામાં આવી હતી.
ધારાસભ્યશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાઓને પ્રાથમિકતા આપી, ગ્રામ પંચાયતો દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાઓ અને માંગણીઓ અંગે પાણી પુરવઠા વિભાગ તથા વાસ્મોના અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. સાથે જ, જરૂરી આયોજન કરીને બાકી રહેલી કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અને ગ્રામજનોને પાણીની પૂરતી સુવિધા મળી રહે તે દિશામાં સંકલન સાથે કામગીરી કરવા ભાર મૂક્યો હતો.
ધારાસભ્યશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, . ઉનાળા કે અન્ય સમયમાં ગ્રામજનોને પાણીની કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ સંબંધિત વિભાગો પરસ્પર સંકલન સાધીને યોગ્ય આયોજન કરે અને બાકી રહેલાં પાણી પુરવઠાનાં કામોને નિર્ધારિત સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!