મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને ગાંગડીયા ખાતે તાલુકાકક્ષાની પશુપાલન તાલીમ શિબિર યોજાઈ
મહુવા તાલુકાના ગાગડીયા ગામે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા, તાલુકા પંચાયત-મહુવા તથા દાઉદપોર-ગાંગડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને તાલુકાકક્ષાની પશુપાલન તાલીમ શિબિર યોજાઈ હતી. આ વેળાએ ધારાસભ્યશ્રીએ ગામમાં પાણી પૂરવઠા યોજનાનું પણ ખાતમુહુર્ત કર્યું હતું.
ગાંગડીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આપણી આવનારી પેઢી અને બાળકો મજબૂત બને, તેમનો સર્વાંગી વિકાસ થાય એ માટે સાત્વિક ખોરાક આપવો જરૂરી છે. તેઓ ફાસ્ટ ફૂડ, ઝંક ફૂડ અને વ્યસનથી દૂર રહે તે માટે કાળજી લેવી જોઇએ. ભગવાન કૃષ્ણ પણ ગાય સાથે જોડાયેલા રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયના પાલન-પોષણથી દૂધ તો મળે છે, સાથે સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. સૌ ખેડૂતોએ આંતરિક ઝઘડાઓથી દુર રહી જમીનની વારસાઈ કરાવવાનો અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં તાલુકા પંચાયત સીટ દીઠ વારસાઈ કેમ્પનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું.
શિબિરમાં મોટી સંખ્યામાં પશુપાલકો-ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટે માર્ગદર્શન મેળવ્યું હતું. વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે જિ.પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, તા.પંચાયતના પ્રમુખ શીલાબેન તથા રીટાબેન, સંગીતાબેન, રમીલાબેન, મદદનીશ પશુપાલન નિયામક ધર્મેન્દ્રભાઇ ઠાકોર તથા નિરલભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.





