“આધુનિકતાની દોડમાં વિસરાતી માતૃભાષા કે પછી અસ્મિતાનું નવું સૂર્યોદય? કોસમાં અદ્ભુત અંદાજે ઉજવાયો ‘ધોડીઆ ભાષા દિવસ’!”

SHARE:

કોસ ખાતે ૩ નવેમ્બરે ‘ધોડીઆ ભાષા દિવસ’ની ઉજવણી થ‌ઈ

ધોડીઆ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના ગૌરવગાન સાથે આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

કોસ, તા. અંબિકા : ધોડીઆ ભાષા સમિતિ, કોસ દ્વારા ૩ નવેમ્બરના રોજ કોસ તા. અંબિકા ખાતે ‘ધોડીઆ ભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ધોડીઆ આદિવાસી સમાજની જન્મભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના જતન તથા સંવર્ધનના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી આગેવાનો, સાહિત્યકારો, શિક્ષણવિદો, નિવૃત્ત અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ‘ખત્રાં’ પૂજન સાથે થ‌ઈ હતી. કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, ભારતીય આદિવાસી ધોડીઆ સમાજ ઉત્કર્ષ સંગઠનના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સમસ્ત ધોડીઆ સમાજના મહામંત્રી લાલજીભાઈ પટેલ, નિવૃત્ત કલેક્ટર એલ.સી. પટેલ, અગ્રણી સમાજશાસ્ત્રી પ્રો. ડૉ. ઝવેરભાઈ સી. પટેલ, ધોડીઆ સંસ્કૃતિના લેખક ડૉ. એ.જી. પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધના-રૂપા થાનક, ચિતાલીના પ્રમુખ ભરતભાઈ પટેલ, સમસ્ત ધોડીઆ સમાજના માજી મહામંત્રી કપિલભાઈ પટેલ, નિવૃત્ત સચિવ ઠાકોરભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર બાલુભાઈ કે. પટેલ, ઓ.એન.જી.સી.ના નિવૃત્ત એન્જિનિયર રવિન્દ્રભાઈ પટેલ, આઈ.ટી.આઈ.ના આસિસ્ટન્ટ એડવાઈઝર અશોકભાઈ પટેલ, ધોડીઆ સાહિત્યના લેખક અરવિંદભાઈ પટેલ (ધોધડકુવા), જયેશભાઈ પટેલ (ધરમપુર), ડૉ. સત્યેન પટેલ (સી.એચ.સી. લીમઝર) તેમજ નિરાધાર વૃદ્ધાશ્રમ, પાંચકાકડા-અનાવલના ઠાકોરભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત-સન્માન ધોડીઆ ભાષા-સાહિત્યને લગતાં પુસ્તકો આપીને કરાયું હતું. આ પ્રસંગને અનુરૂપ મહેમાનોએ વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમના સાંસ્કૃતિક ભાગરૂપે ધોબીના ભાષામાં ‘જાગતેં તુમીં રજા રા…’ ગીતની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ગીતને ગાયક ચિરાગ પટેલે સ્વર આપ્યો હતો, જ્યારે સંગીતકાર મોન્ટુ પટેલે સંગીતબદ્ધ કર્યું હતું., ગીતના રચનાકાર કુલીન પટેલ હતા. કાર્યક્રમ સમાપન ટાણે રાષ્ટ્ર ગાન ‘જન ગણ મન…’ની પિયાનો પર સુંદર પ્રસ્તુતિ દ્રિશ્યા પટેલ (ખરવાણ) દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમ બાદ ધોડીઆ આદિવાસી લોકસંસ્કૃતિની આગવી ઓળખ સમાન પરંપરાગત ‘તુર નૃત્ય’ની પ્રસ્તુતિ ધોડીઆ આદિવાસી નૃત્ય મંડળ, સિણધઈ-રાજમલા દ્વારા કરવામાં આવી હતી. લોકવાદ્ય અને લોકનૃત્યની આ પ્રસ્તુતિએ ઉપસ્થિતોમાં આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી જગાવી હતી.
ધોડીઆ ભાષા સમિતિ, કોસ દ્વારા આયોજિત આ ઉજવણીનો મુખ્ય આશય નવી પેઢીને પોતાની જન્મભાષા સાથે જોડવી અને ભાષા, લોકસાહિત્ય, લોકકલા તથા સાંસ્કૃતિક વારસાના જતન માટે સામૂહિક જાગૃતિ ઊભી કરવાનો રહ્યો હતો. ધોડીઆ ભાષાના ગૌરવ અને અસ્મિતાને ઉજાગર કરતી આ ઉજવણી ભાષા સંવર્ધનની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ બની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!