તા.૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન સુરત જિલ્લાના તમામ તાલુકામાં ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ અને સેવાસેતુ યોજાશે
તા.૨૪મીએ માંડવી, કામરેજ અને ઓલપાડ ખાતે મંત્રીઓના હસ્તે કૃષિ મહોત્સવને ખુલ્લા મુકાશે
જિલ્લાના ૯ તાલુકામાં રવિ પાકો વિષે ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની સમજૂતિ અપાશે
સેવા સેતુના કાર્યક્રમોનો લાભ લેવા પ્રજાજનોને અનુરોધ
રાજ્યનાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુસર સુરત જિલ્લાના ૯ તાલુકાઓમાં તા.૨૪-૨૫ નવેમ્બરના રોજ બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ અને ‘સેવા સેતુ’ના કાર્યક્રમો યોજાશે. જેનું તા.૨૪મીએ સવારે ૧૦.૦૦ વાગે મંત્રીશ્રી, ધારાસભ્યોના હસ્તે ખુલ્લા મુકાશે. જેમાં પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન તેમજ બીજા દિવસે ખેડૂતો માટે પ્રદર્શન યોજાશે તથા ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત કરવામાં આવશે.
તા.૨૪મીએ સવારે ૧૦.૦૦ વાગે ઓલપાડ તાલુકામાં ખુટાઈમાતાનું મંદિર, હાથીસા રોડ ખાતે વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, કામરેજમાં દાદા ભગવાન મંદિર ખાતે શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, માંડવીની ધી માંડવી હાઈ સ્કુલ (ગુજરાતી મિડિયમ) ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિ, ચોર્યાસીના ભટલાઈ ગ્રામ પંચાયતના કોમ્યુનીટી હોલ ખાતે માંગરોળમાં પ્રાથમિક શાળા-આંબાવાડી, બારડોલીના ખેડૂત તાલીમ કેન્દ્ર, પલસાણામાં રામાભાઈ નાથાભાઈ પટેલ, માધ્યમિક શાળા-પારડી, મહુવાના અસ્મિતા ભવન, બ્રાહ્મણ સમાજની વાડી અને એ.પી.એમ.સી., ઉમરપાડા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-કેવડી કૃષિ મહોત્સવો યોજાશે સાથે સાથે સેવા સેતુનું આયોજન કરાશે જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા, સુરતની યાદીમાં જણાવાયું છે.



