Traffic Tail

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અધ્યક્ષતામાં નવી સિવિલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઈ.

SHARE:

તા.૧૨મી મે- આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અધ્યક્ષતામાં નવી સિવિલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઈ.

બે થી ૩ દાયકાઓ સુધીની લાંબી સેવાકીય કારકિર્દી બાદ નિવૃત્તિ મેળવનાર નર્સીસનું સન્માન કરાયું.

“સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ”: પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત

તા.૧૨મી મે એટલે કે, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, હોસ્પિટલમાં દિન- રાત દર્દીનારાયણની સેવા કરતી નર્સને સન્માન કરવાનો અનેરો દિવસ. સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે થી ત્રણ દાયકાઓ સુધીની લાંબી સેવાકીય કારકિર્દી બાદ નિવૃત્તિ મેળવનાર નર્સીસનું સન્માન કરાયું હતું. સાથે જ વિવિધ વક્તાઓ દ્વારા સમાજમાં નર્સના મહત્વ વિશે વિચારમંથન કરાયું હતું.
આ અવસરે પોલીસ કમિશનરશ્રીએ નર્સની ભૂમિકા દર્શાવતા કહ્યું કે, સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ. નર્સ દ્વારા પોતાના દરેક દર્દી પ્રત્યે નિ:સ્વાર્થ ભાવે કરાતી સેવાકીય પ્રવૃત્તિ સાચે જ પ્રેરણારૂપ છે. તેઓ નિરાશાને આશામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તદ્દન અજાણ્યા લોકોને પોતીકા બનાવી દર્દીને શારીરીકની સાથે માનસિક સહાય આપી સ્વસ્થ કરવામાં નર્સની ભુમિકા અનેરી હોય છે.
વધુમાં, કમિશનરશ્રીએ તબીબ અને દર્દી વચ્ચેની મહત્વની કડી સમાન નર્સને તેમની ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવી દર્દી સાથે હર હંમેશ સંયમ અને સ્મિત સાથે સકારાત્મક વલણ અપનાવી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર(ગુજરાત) ડો.વિકાસબેન દેસાઈએ સારવાર દરમિયાન દર્દી પ્રત્યેના નર્સનાં વ્યવહાર, વર્તણુકનું મહત્વ જણાવી ‘વર્તનમાં પરિવર્તન’ વિષય પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે નર્સના આંતરિક અને બાહ્ય પરિબળો જેવા કે, સંજોગ, ઉછેર, માનસિકતાને નિર્ણાયક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં આવતા દર્દી કે, જે શારીરિક, માનસિક અને આર્થિક સહિતની ઘણી વિષમ પરિસ્થિતિઓથી ઝઝૂમતા હોય છે ત્યાં દરેક નર્સને સંવેદનશીલતા સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.
દર્દીને સ્વસ્થ કરવામાં અગત્યની ભૂમિકા ભજવતાં નર્સના વાણી અને વર્તનને સકારાત્મક બનાવવા તેમણે નર્સીસને નિર્મળતા, ધીરજ અને મક્કમતાના મુલ્યોને જીવનમાં ઉતારી વર્તનને પરિવર્તન કરવા પ્રોત્સાહન આપ્યું હતું. સાથે જ અન્યોની સેવામાં સમર્પિત દરેક નર્સને પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સોફ્ટ સ્કીલ ટ્રેનર શ્રી પ્રિયંકાબેને દિવસ-રાત સેવાકીય કાર્યમાં જોડાયેલા નર્સોને ગમે તેવા સંજોગોમાં વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખી રિએક્ટિવની જગ્યાએ રિસ્પોન્સિવ રીએકશન પર ભાર આપવા સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સુરત સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ધારીત્રી પરમાર, RMO ડૉ કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રી નીરજાબેન પટેલ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડૉ.નિલેશ કાછડીયા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસો.ના શ્રી નિલેશ લાઠીયા, વીરેન પટેલ અને જગદીશ બુહા સહિત વિવિધ કોલેજના હેડ નર્સ, સ્ટાફ નર્સ, નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!