અલગટથી ચોરેલી બાઇક સાથે ફરી રહેલો ચોર કાંકરિયાથી ઝડપાયો.
માલિકને બાઇક દેખાતા જ ચોરને પકડી પાડ્યો
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અલગટ ગામે રહેતા સતિષભાઈ ઢો.પટેલ પોતાની મોટરસાયકલ (GJ-26-F-5037) લઈ તા-19/10/2023ના રોજ બાવળી ફળિયામાં આવેલ પોતાના ખેતરે પાણી જોવા માટે ગયા હતા.તે દરમિયાન ચાવી મોટરસાયકલમા રહી જતા અજાણ્યો ચોર ઈસમ મોટરસાયકલ લઈ ત્યાંથી પલાયન થઈ ગયો હતો.ખેતરનું કામ પતાવી સતિષભાઈ મોટરસાયકલ જ્યા મૂકી હતી ત્યાં જઈ જોતા ઘટના સ્થળે થી મોટરસાયકલ ગાયબ હતી.જેથી ઘટના અંગે તેમણે તેમના પુત્ર અક્ષયને જાણ કરી આજુબાજુના ગામોમાં મોટરસાયકલની તપાસ કરાવવા છતા મોટરસાયકલની કોઈ ભાળ મળી ન હતી.અને મોટરસાયકલ ચોરી થઈ હોવાનો અહેસાસ થતા ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ ગતરોજ મોટરસાયકલના માલિક કામ અર્થે કાંકરિયા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન સોનાઈમોરા ફળિયા નજીક મોટરસાયકલ નજરે પડતા મોટરસાયકલને અટકાવી કડક પૂછતાછ હાથ ધરતા મોટરસાયકલ ચાલકે મોટરસાયકલ ચોરી હોવાની કબૂલાત કરતા સતીષભાઈ પટેલે ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરી હતી.અને મોટરસાયકલ ચોરને પોલીસ હવાલે કર્યો હતો.મહુવા પોલીસે ચોર ઈસમને પકડી મોટરસાયકલ ને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલ તો ચોરીની મોટરસાયકલ સાથે ઈસમ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે તો બીજી બાજુ મોટરસાયકલ ચોર પકડાતા અન્ય મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલાવાની પણ શકયતા છે.






