સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવાન પર લાકડી અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી જીવથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
અનાવલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉની અદાવત અને પ્રેમસંબંધ બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવાન ઉપર લાકડી અને પ્લાસ્ટિકના પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. ૨૩/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના સુમારે આ ઘટના બની હતી, જે અંગેનો ગુનો તા. ૩૦/૧૦/૨૦૨૬ના રોજ નોંધવામાં આવ્યો છે. અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં સાંબા ગામની સીમથી ભગવાનપુરા ગામને જોડતા પુલ પાસે આરોપીઓએ ફરિયાદીના ભાઈને આંતર્યા હતા. આરોપીઓએ ફરિયાદીના ભાઈને “તું વાંસકુઈ સુગરની છોકરી સાથે પ્રેમ સંબંધ રાખે છે અને આ તારા પ્રેમના ચક્કરમાં મારો ભાઈ દવા પી ગયેલ છે અને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે” તેમ જણાવી ઉશ્કેરાઈને મોપેડ ગાડી પર જઈ રહેલા યુવાનને ગુણસવેલ ગામની હદમાં માતાજીના મંદિર આગળ કેળની વાડીમાં લઈ જઈ માર માર્યો હતો.
આરોપીઓ દ્વારા લાકડી તથા પ્લાસ્ટિકના પાઇપ વડે ઉપર છાપરી સપાટા મારી યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કેટલાક ઈસમો પણ ત્યાં આવી પહોંચી ઢીકકા મુક્કીનો માર મારી,બંને હાથના ભાગે,પીઠ ઉપર તથા કમરના ભાગે લાલ તથા કાળા ચકામા પાડી દીધા હતા. એટલું જ નહીં, બંને હાથમાં ફેક્ચર કરી નાખે તેવું નુકસાન પહોંચાડી, નાલાયક ગાળો આપી અને ભવિષ્યમાં જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. હાલ પોલીસે આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


