૧૮૧ અભયમ ટીમની સમયસૂચકતા અને કાઉન્સેલિંગથી માતા-દીકરીનું પુન:મિલન થયું.
ઘરેથી નીકળી ગયેલી એક યુવતીએ શહેરના ઉમરા વિસ્તારની ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગી હતી. ઘરમાં મતભેદને પગલે ગુસ્સામાં કોઈની જાણ બહાર ઘર છોડી દીધા બાદ શું કરવું સમજાતું ન હોવાથી તેણીએ અભયમ ટીમની મદદ માંગી હતી.
કોલ પર માહિતી મળતા જ ૧૮૧ અભયમ સુરત-ઉમરા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી પર પરિવાર તરફથી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. તેઓની ઉંમર ૧૮ વર્ષ છે અને હાલ તે વધુ અભ્યાસ કરવા ઇચ્છે છે. પરિવાર સાથે મનદુઃખ થતા ગુસ્સામાં કોઈને જાણ કર્યા વગર તે ઘરેથી નીકળી આવી હતી.
વધુમાં જાણવા મળ્યું કે પિતાના અવસાન બાદ તે માતા અને બે બહેનો સાથે રહે છે. અગાઉ ગામમાં અભ્યાસ દરમિયાન એક છોકરા સાથે સંબંધની જાણ થતાં પરિવારે તેનો અભ્યાસ બંધ કરાવ્યો હતો અને સુરત લાવવામાં આવી હતી. ત્યારબાદ ફરી લગ્નની વાત શરૂ થતા તેણે આ પગલું ભર્યું હતું.
ટીમ દ્વારા માતાને સંપર્ક કરી સ્થળ પર બોલાવવાયાં હતા. કાઉન્સલીંગમાં જાણવા માન્યું કે, વિધવા માતા એકલાહાથે ત્રણ દીકરીઓનું પાલનપોષણ કરે છે. ટીમ દ્વારા માતા અને દીકરીને એકબીજાની પરિસ્થિતિ સમજાવવામાં આવી હતી. યોગ્ય સમજાવટ બાદ દીકરીને પોતાની ભૂલ સમજાતા માતા પાસે માફી માંગી હતી અને આગળ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપી. અને માતાને પણ લગ્ન માટે દબાણ ન કરવાનું સમજાવ્યું હતું. માતા-દીકરી વચ્ચે સમજૂતી થતાં બંનેનું પુનઃમિલન કરાવવામાં આવ્યું.




