ઉત્તરપ્રદેશના વતની રાજેશ ગોવિંદ રાયના અંગદાનથી ચારને મળશે નવજીવન
સ્વ.રાજેશ રાયના હદય, લીવર અને બે કિડનીનું દાન:
નવી સિવિલ થકી કુલ ૯૩મું સફળ અંગદાન
‘અંગદાન મહાદાન’ની ભાવનાને સાકાર કરતો રાય પરિવાર

ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખ ધરાવતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ૯૩મુ સફળ અંગદાન થયું છે. મુળ ઉત્તર પ્રદેશના ગ્રામ પૌની પોસ્ટ નઇબજાર ચંદોલીના ૩૭ વર્ષીય બ્રેઈનડેડ રાજેશ ગોવિંદ રાયના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને હદય, લીવર અને બે કિડનીનું દાન કરતા ચાર જરૂરિયાતમંદોને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી ખાતે રહીને વેલ્ડરનો વ્યવસાય કરતા રાજેશ રાય તા:-૨૪/૦૩/૨૦૨૬ સાંજે ૫:૦૦ વાગ્યે નવસારી હાઇવે પર બાઇક ચલાવતા અચાનક પડી ગયા હતાં. કોઇ અજાણ્યા વ્યકિત્ત દ્વારા ૧૦૮ બોલાવી નજીકનાં નવસારીના સિવિલ હોસ્પીટલમાં ત્યારબાદ નવી સિવિલ હોસ્પિતલ સુરતમાં રીફર કરવામા આવ્યા હતા. ગંભીર હાલત હોવાથી આઈસીયુ શિફ્ટ કરી અને તેમની સારવાર ચાલતી હતી. તા-૨૫/૦૩/૨૦૨૬ના રોજ આર.એમ.ઓ. ડૉ કેતન નાયક, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ. ડૉ.જય પટેલ, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં.
ત્યારબાદ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ તેમના માતા-પિતા તથા પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી. તેમના પિતા ગોવિંદ રાય તથા માતા ફુલમતી તથા પત્ની સરીતા દેવીએ કહ્યું કે, અંગદાનથી કોઇનું જીવન બચાવી શકાતુ હોય તો અમારો રાજેશ કોઈના શરીરમાં જીવંત રહેશે.
બ્રેઈનડેડ રાજેશ રાયના હદયને યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા લિવર અને બન્ને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલ અમદાવાદમાં લઈ જવામાં આવી હતી. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.





