દિલ્હી ખાતેના ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવમાં ગુજરાતના આદિવાસી કવિ-લેખક કુલીન પટેલ દ્વારા ધોડીઆ ભાષામાં કાવ્યપઠન

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હી અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવનું આયોજન ૨૫-૨૬ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ કેન્દ્રીય આદિવાસી કાર્ય રાજ્ય મંત્રી દુર્ગાદાસ ઉઈકે દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાહિત્ય સંમેલન ટાણે ગુજરાતના જાણીતા આદિવાસી સાહિત્યકાર કુલીન પટેલને પણ નિમંત્રિત કરવામાં આવ્યા હતા. “ધોડીઆ ભાષા સમિતિ” ની કામગીરી વિશે જાણકારી રજૂ કરીને કુલીન પટેલે જન્મભાષા ‘ધોડીઆ’ માં કાવ્યપઠન કરીને ઉપસ્થિત સૌને ગુજરાત-મહારાષ્ટ્રમાં બોલાતી ધોડીઆ ભાષાનો પરિચય કરાવ્યો હતો. પોતાની કાવ્ય રચનામાં તેમણે આદિવાસી જીવન અને ગ્રામ્ય વિસ્તારનું તર્ક જ્ઞાન અને એ તરફ જ શહેરીજનોએ વિચારવું જોઈએ તેવો સંદેશો પ્રસ્તુત કર્યો હતો. કવિ કુલીન પટેલનું ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હીના નિર્દેશક પ્રો. ડૉ. રમેશ ગૌર ના હસ્તે અંગ વસ્ત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કવિતા સત્રના અધ્યક્ષ સ્થાનેથી ફિલ્મ ડાયરેક્ટર અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ના ડાયરેક્ટર ચિત્તરંજન ત્રિપાઠીએ કુલીન પટેલની રજૂઆતની સરાહના કરતાં અવાજ જોરદાર હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજ્યના ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો દ્વારા બોલાતી ‘ધોડીઆ’ ભાષાને ધોડીઆ ભાષા સમિતિના કુલીન પટેલ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બનાવી છે ત્યારે સદર સાહિત્ય સંમેલન વેળાએ પણ આ આદિવાસી ભાષાને એક વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે. જે ધોડીઆ આદિવાસીઓ માટે ગૌરવની બાબત છે.
દસમા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવ ટાણે ભારત ભરમાં થી મોટી સંખ્યામાં આદિવાસી સાહિત્યકારો તેમજ આદિવાસી વિષયક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના નિર્દેશક અમિતાભ પાંડે, ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હીના નિર્દેશક રમેશ ગૌર, અલીપુર યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળ ના કુલપતિ સરિત ચૌધુરી વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.





