સ્વાતંત્ર્ય સેનાની કાનજીભાઈ ચૌધરી ૨૮મી સ્મૃતિ વ્યાખ્યાનમાળા યોજાઈ

સુરત,અંબિકા:-(કુલીન.પટેલ)અંબિકા તાલુકાના લશણપોર ગામે દૂધ ડેરી ખાતે આદિવાસી એકતા પરિષદ અને કાનજીભાઈ ચૌધરી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા ૨૮મી સ્વાતંત્ર્ય સેનાની કાનજીભાઈ ચૌધરી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન માળા આયોજન સમિતિ અને લશણપોર ગામના સરપંચ સુરેશભાઈ પટેલ અને દૂધ મંડળીના પ્રમુખ મગનભાઈ પટેલ તેમજ ગામના યુવા અગ્રણી એડવોકેટ જયદીપ પટેલ દ્વારા સુપેરે આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મહુવા સુગર ફેકટરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલ તેમજ સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરના સેવાભાવી
ડૉક્ટર એવા ધીરુભાઈ પટેલ કે જેમણે સર્પદંશની સારવાર અંગે ગુજરાતભરમાં વિશેષ જવાબદારી અદા કરી છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મહુવા- વાલોડ પંથકના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોની ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક હતી. વ્યાખ્યાન માળાના વક્તા તરીકે જાણીતા લેખક – સંશોધક એવા કુલીન પટેલ દ્વારા “ધોડીઆ આદિવાસી સમુદાયના લોકોનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રદાન” એ વિષય પર સંશોધનાત્મક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વલસાડન પ્રાધ્યાપક કુમારી સિમરન કોઠારી દ્વારા ભારતભરના આદિવાસી સ્વાતંત્ર્ય વીરો અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી તેમજ ડૉ. કૃતિ ચૌધરીએ આજના સમયમાં આદિવાસી યુવાઓ વિશેની સમસ્યાઓ વિશે ચિંતનાત્મક રજુઆત કરવામાં આવી હતી. આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી, માજી સાંસદ અમરસિંહભાઈ ચૌધરી તેમજ આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ અશોકભાઈ બાગુલ અને સ્થાપક સદસ્ય એવા સાંગલ્યાભાઈ વળવીએ
ઉપસ્થિતોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી આહવાના સેવાભાવી ડોક્ટર એ.જી.પટેલે સમાજની નવરચના માટે નવયુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની કાનજીભાઈ ચૌધરી સ્મૃતિ વ્યાખ્યાન માળા વેળાએ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.





