રમત રમતમાં દુર્ઘટના: મહુવા તાલુકાના ખરવણ ગામે પાણીમાં ડૂબી 3 વર્ષની બાળકીનું મોત
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવણ ગામ (બોબડ ફળીયા) ખાતે રહેતા હિરેનભાઈ પટેલની 3 વર્ષની દિકરીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ગત તા. 21 માર્ચના રોજ સાંજના સમયે બાળકી પોતાના ઘરે રમતી હતી અને રમત રમતમાં એકલી ઘરના પાછળ આવેલા ખેતર તરફ ચાલી ગઈ હતી. પરિવારજનોને શરૂઆતમાં લાગ્યું હતું કે બાળકી નજીકમાં જ રમતી હશે, પરંતુ લાંબા સમય સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પિતાએ ખેતર તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી છતાં કોઈ પત્તો ન લાગતા પડોશીઓ અને ઓળખીતાઓને જાણ કરવામાં આવી હતી અને સૌએ મળી શોધખોળ શરૂ કરી હતી. બાળકી મળી ન આવતા અંતે 112 પર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
ઘર નજીક વહેતી નહેરમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ઉપરથી પાણી બંધ કરાવી તપાસ કરતા બાળકી ઊંડા પાણીમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક તેને મહુવા સી.એચ.સી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જાહેર કર્યું હતું.
માતા-પિતાએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે ઘટના સંપૂર્ણપણે આકસ્મિક છે અને કોઈ શંકાસ્પદ બાબત નથી. તેઓએ કોઈ પોલીસ કાર્યવાહી કરવાની માંગ પણ વ્યક્ત કરી નથી. પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી બાળકીનો મૃતદેહ અંતિમવિધિ માટે પરિવારને સોંપ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.





