બામણીયા પાસે બાઇકની ટક્કરે વૃદ્ધનું મોત
અનાવલ: બામણીયાથી કઢૈયા તરફ જતા રોડ પર બાઇક અડફેટે કઢૈયાના 75 વર્ષીય વૃદ્ધને ગંભીર ઇજા થઈ હતી. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્રએ બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના કઢૈયા ગામના નિશાળ ફળિયામાં રહેતા મોહનભાઇ નારણભાઇ ચૌધરી (ઉં.વ.75) ગત સાંજે મહુવા સુગર પાસે દવા લઈને પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન બામણીયાથી કઢૈયા તરફ જતા રોડ પર ઈશ્વરભાઇ ગરાસીયાના ખેતર પાસે પાછળથી પૂરઝડપે આવેલી બજાજ બોક્સર મોટરસાઇકલ નં.(GJ-19-H-7897)ના ચાલક પારસભાઇ શાહ (રહે., કરચેલિયા, મહુવા)એ તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે મોહનભાઇને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ મહુવા
સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં મૃતકના પુત્ર શૈલેષભાઇ ચૌધરીની ફરિયાદના આધારે મહુવા પોલીસે બાઇક ચાલક પારસભાઇ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





