Traffic Tail

“જ્યાં મહિલાઓ ચલાવે આખું ગામ – કાછલ ગ્રામ પંચાયતથી પ્રેરાઈ જૂનાગઢ જિલ્લાની બહેનો”

SHARE:

“જ્યાં મહિલાઓ ચલાવે આખું ગામ – કાછલ ગ્રામ પંચાયતથી પ્રેરાઈ જૂનાગઢ જિલ્લાની બહેનો”

મહુવા તાલુકાના કાછલ ગ્રામ પંચાયત ખાતે આજે જુનાગઢ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ સખી મંડળ સાથે જોડાયેલી બહેનો દ્વારા પ્રેરણાત્મક અને અધ્યયનાત્મક મુલાકાત યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉર્જાસભર, માર્ગદર્શક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.
કાછલ ગામની મુલાકાતે પધારેલ સૌ મહેમાનોનું કાછલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કલ્પનાબેન ચૌધરી ઉપ-સરપંચશ્રી ભાવનાબેન તેમજ ગ્રામ પંચાયતના સભ્યોશ્રીઓ દ્વારા તિલક કરી પુષ્પ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌનો પરિચય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બંને પક્ષની બહેનો અને સભ્યશ્રીઓએ પોતાના કાર્યક્ષેત્ર તથા ગ્રામ વિકાસમાં આપેલા યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સરપંચશ્રી કલ્પનાબેને ગ્રામ પંચાયત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે કાછલ ગ્રામ પંચાયત સંપૂર્ણપણે મહિલા સમરસ ગ્રામ પંચાયત તરીકે કાર્યરત છે, જ્યાં સમગ્ર વહીવટ મહિલાઓ દ્વારા જ સંચાલિત થાય છે. મહિલા સરપંચ અને સભ્યશ્રીઓ સક્રિય રીતે નિર્ણય લેતા, આયોજન કરતા અને અમલ કરતા નેતૃત્વરૂપે કાર્ય કરે છે.આ મુલાકાત દરમિયાન ખુલ્લી ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ચર્ચા દરમિયાન કાછલ ગામની બહેનો દ્વારા પરંપરાગત ખેતી, આધુનિક કૃષિ પદ્ધતિઓ, પશુપાલન, સ્વરોજગાર તથા વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર અને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. સખી મંડળ સાથે જોડાયેલી બહેનો દ્વારા બચત જૂથ, આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ જુનાગઢ જિલ્લાથી આવેલી બહેનો દ્વારા પણ પોતાના વિસ્તારની ખેતી, પશુપાલન, વ્યવસાય અને સામાજિક કાર્ય અંગે સુંદર રીતે માહિતી વહેંચવામાં આવી હતી, જેના કારણે બંને વિસ્તારો વચ્ચે વિચારો અને અનુભવોનું સકારાત્મક આદાન-પ્રદાન થયું હતું.વિશેષ રૂપે, મુલાકાતે આવેલ બહેનો દ્વારા જણાવ્યું હતું કે મહિલાઓમાં કુદરતી રીતે વહિવટ કરવાની અનોખી ક્ષમતા રહેલી છે. જો મહિલાઓને યોગ્ય તક અને કાર્ય કરવાની સ્વતંત્રતા આપવામાં આવે, તો તેઓ અસરકારક રીતે સમગ્ર વહીવટ સંભાળી શકે છે. તેમણે કાછલ ગ્રામ પંચાયતને તેનું જીવંત ઉદાહરણ ગણાવી સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ મોડલ તરીકે વખાણ્યું હતું.મુલાકાત દરમિયાન મહેમાન બહેનો દ્વારા સખી પિંક રૂમની મુલાકાત લેવામાં આવી હતી. સખી પિંક રૂમની કામગીરી અને મહિલાઓને આપવામાં આવતી સુવિધા અંગે જાણીને તેઓ અત્યંત આનંદિત થયા હતા અને આ પહેલને નવીન અને પ્રેરણાદાયક ગણાવી હતી.કાછલ ગામમાં અમલમાં મુકાયેલા સ્વચ્છતા, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સામાજિક સક્રિયતા સંબંધિત કાર્યોને જોઈ મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સહકાર, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સકારાત્મક માહોલ સર્જાયો હતો, જે સૌ માટે યાદગાર અનુભવ બની રહ્યો હતો. આ પ્રેરણાત્મક મુલાકાત મહિલા નેતૃત્વ અને ગ્રામ વિકાસ માટે જીવંત પ્રેરણારૂપ બની છે.
કાર્યક્રમના અંતે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની બહેનો દ્વારા કાછલ ગ્રામ પંચાયતનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ પ્રેરણાત્મક મુલાકાતને જીવનમાં માર્ગદર્શક બની રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રેરણાત્મક કાર્યક્રમ આગાખાન સંસ્થાના સહયોગથી ગ્રામિણ મહિલા વિકાસ સંઘ માંગરોળ જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર સંચાલન ફાલ્ગુનીબેન જાડેજા દ્વારા ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!