વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી “માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ ઉજવાયો.

SHARE:

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી “માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ ઉજવાયો.


માતૃભાષા મનુષ્યની અભિવ્યક્તિનું સર્વોત્તમ માધ્યમ છે. તે આંતરચેતના સાથે જોડાયેલી હોય છે. તે માતૃભૂમિના વાતાવરણમાં જ, બાળપણમાં વિકસે છે અને જીવન સાથે તેનું જોડાણ કાયમી હોય છે. માતૃભાષા ન આવડતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એટલે વિશ્વ માતૃભાષા દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. કૉલેજના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષાનું મહત્ત્વ સમજે, પોતાનો માનસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વિકાસ સાધે એ હેતુથી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી કાછલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન,વાણિજ્ય અનર વિજ્ઞાન કૉલેજ, કાછલમાં “માતૃભાષા મહોત્સવ- ૨૦૨૬” ઉજવાયો હતો. કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડો. રાકેશ ચૌધરી અને વક્તાશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. કાર્યક્રમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સુમધુર કંઠે ભાવવાહી લયમાં કવિ ઉમાશંકર જોશી રચિત ”મળી માતૃભાષા મને ગુજરાતી” કાવ્યનું ગાન કર્યું હતું. ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાં એ આશીર્વચન પાઠવ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રથમ વક્તા ડૉ. અશ્વિન અવૈયાએ માતૃભાષાના સર્જકો, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સર્જકોએ માતૃભાષાનું ગૌરવ કઈ રીતે વધાર્યું તેની ચર્ચા કરી હતી. માતૃભાષા વિષે તેમણે સમજાવ્યું કે ‘માતૃભાષાનો શરમ નહિ પણ ગૌરવનો વિષય છે’ એમ એને અનુભવવો જોઈએ. માતૃભાષા ભાવથી નજીક હોય છે, એટલે તરત જ સમજાય જાય છે. કાર્યક્રમમાં દ્વિતીય વક્તા પ્રા. ડો. આશાબેન ઠાકોરે ‘માનવજીવનમાં માતૃભાષાનું મહત્ત્વ ‘ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દરેક સમાજની પોતાની એક વિશિષ્ટ ભાષા હોય છે, જેમ અનુસૂચિતજનજાતિમાં સમાવિષ્ટ આદિવાસીઓની અનેક બોલીઓ છે. માનવજીવન માતૃભાષા વિના પાંગળું છે. માતૃભાષા છે તો જ સમાજ શક્તિ છે. એકબીજા સાથે વાક્વ્યવહાર માટે માતૃભાષા ખૂબ જ મહત્ત્વની છે. તેમણે અકબર બીરબલની વાત કહી માતૃભાષા કેવી પરિસ્થિતિમાં કાર્યરત થાય છે, એ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં બાળ નાટ્યકાર શ્રી મહેશભાઈ ધીમાર પણ પધાર્યા હતા, તેમણે ઈઝરાઈલમાં હિબ્રુ નામની માતૃભાષા કઈ રીતે રાષ્ટ્રીય ચેતના જગાવી રહી છે, તેની સાધાર વાત રજુ કરી હતી. કાર્યક્રમને અંતે મહેમાનો અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ માતૃભાષામાં પોતાના હસ્તાક્ષરો કર્યા હતા. કોલેજના આચાર્ય ડૉ.રાકેશ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં આયોજકોને અભિનંદન પાઠવી માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાતી વિભાગના પ્રા, ડૉ.ધનસુખ ભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન અંગ્રેજી વિભાગના પ્રા. ડૉ. એગ્નલ રોયે કર્યું હતું. અને સ્વાગત પ્રવચન, કાર્યક્રમની રૂપરેખા તેમજ આભારવિધિ પ્રા. પ્રવીણ સલિયાએ કર્યા હતાં. કાર્યક્રમમાં ૮૦ વિદ્યાર્થીઓ અને ૩૦ અધ્યાપકો મળી કુલ ૧૨૦ વ્યક્તિઓ હાજર રહ્યાં હતા, તેમને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!