Traffic Tail

સ્ટ્રીટ વેન્ડર્સને મળે છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂપે ક્રેડિટ કાર્ડ અને કોલેટરલ ફ્રી લોનની સુવિધા

SHARE:

સ્ટ્રીટ વેન્ડર્સને મળે છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂપે ક્રેડિટ કાર્ડ અને કોલેટરલ ફ્રી લોનની સુવિધા

સ્વનિધી યોજના અંતર્ગત મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સુરત મહાનગરપાલિકાએ રાજ્ય કક્ષાએ “PRAISE એવોર્ડ મેળવ્યો છે

સુરતમાં આજ સુધીમાં ૧,૩૩,૦૫૮ લાભાર્થીઓને બેંક દ્વારા કુલ રૂ. ૨૦૩.૯૯ કરોડની લોન આપવામાં આવી

શહેરી વિસ્તારમાં નાનો ધંધો અને સ્વરોજગાર કરતા ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અમલી છે. નાના વેપારીઓ અને ફેરિયાઓને આર્થિક રીતે પગભર કરવા માટે મહત્વપૂર્ણ યોજના સાબિત થઈ રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શાકભાજી, ફળ, ખાણીપીણીની લારીવાળા, પાથરણાવાળા, ધોબી, વાળંદ, મોચીકામ કરતા તેમજ ફૂટપાથ પર વેપાર કરતા લોકોને કાર્યકારી મૂડી (Working Capital) પૂરી પાડવાનો છે.
આ યોજનાના મુખ્ય આકર્ષણ જોઈએ તો નાના વેપારીઓને સરળ હપ્તે કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે. વળી, કોઈપણ જાતની જામીનગીરી (Collateral) વગર ફેરિયાઓને ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે: જેમાં પ્રથમ વખત લાભાર્થીને રૂ. ૧૦,૦૦૦/- ની લોન મળે છે, ત્યાર બાદ નિયમિત ભરપાઈ પર રૂ. ૨૦,૦૦૦/- ની લોન મળે છે અને ત્રીજી વખત રૂ. ૫૦,૦૦૦/- ની લોન આપવામાં આવે છે.
ફેરિયાઓના વ્યવસાયના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે રૂ. ૩૦,૦૦૦/- ની લિમિટ ધરાવતા ‘RuPay Credit Card’ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સુરત મહાનગર વિસ્તારમાં ફેરિયાઓને આ ક્રેડિટ કાર્ડ મંજૂરીની કાર્યવાહી જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ “સ્વનિધિ સમારોહ”માં સુરત મહાનગરપાલિકાની આ યોજનામાં ઉત્તમ કામગીરી બદલ મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સુરત મહાનગરપાલિકાએ રાજ્ય કક્ષાએ “PRAISE એવોર્ડ’ (સેકન્ડ બેસ્ટ સિટી) મેળવ્યો છે. લાભાર્થીઓને લોન ઉપર વાર્ષિક ૭% વ્યાજ સબસિડી સરકારશ્રી દ્વારા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, ત્યારે સુરતના લાભાર્થીઓને આજ દિન સુધીમાં રૂ. ૬.૩૨ કરોડની વ્યાજ સબસિડી ચૂકવવામાં આવી છે.
શેરી ફેરિયાઓને ફોનપે, પેટીએમ, ગુગલપે વગેરે જેવા પેમેન્ટ એગ્રીગેટર સાથે જોડીને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવે છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર માસિક રૂ. ૧૦૦ સુધી કેશબેક મળવાપાત્ર છે. ઉપરાંત હોલસેલ ખરીદીના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર વધારાનું કેશબેક આપવામાં આવે છે, જે અંતર્ગત શહેરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન બદલ ફેરિયાઓને કુલ રૂ. ૪.૮૨ કરોડનું ઈન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં અત્યાર સુધીમાં તબક્કાવાર ૧,૩૩,૦૫૮ લાભાર્થીઓને બેંક દ્વારા કુલ રૂ. ૨૦૩.૯૯ કરોડની લોન ચૂકવવામાં આવી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!