Traffic Tail

સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની ખેતી કરતાં સુરતનાં બે ખેડૂત ભાઈઓ: ખજૂરીમાંથી બનાવે છે આરોગ્યને નિરોગી રાખતો ‘નીરો’

SHARE:

સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની ખેતી કરતાં સુરતનાં બે ખેડૂત ભાઈઓ: ખજૂરીમાંથી બનાવે છે આરોગ્યને નિરોગી રાખતો ‘નીરો’

કામરેજનાં ઉંભેળ ગામનાં ખેડૂત ભાઈઓએ ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ થકી આઠ વીઘામાં કર્યું ૩૫૦૦ ખજૂરીનું વાવેતર: વિલુપ્ત થતાં ‘નીરા’ને બનાવ્યું કમાણીનું સાધન

કેમિકલયુક્ત કોલ્ડડ્રિંક્સ V/S આરોગ્યનું અમૃત: પ્રોટીન, ફેટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, વિટામિન એ, બી અને સી તેમજ કેલોરીઝથી ભરપુર છે ‘નીરો’

ખેતીમાં નવતર પ્રયોગ થકી દૈનિક ૧૮૦ થી ૨૦૦ લી. નીરાનું કર છે ઉત્પાદન: આગામી વર્ષ સુધીમાં દૈનિક ૧૦૦૦ થી ૧૨૦૦ લીટર ઉત્પાદનનો નિર્ધાર

જો ખેતીમાં કુશળ આયોજન અને આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે, તો ચોક્કસથી સફળ ‘સ્ટાર્ટઅપ’ વિકસાવી શકાય છે: ખેડૂત પુત્ર જય પટેલ

પ્રકૃતિને ખીલવતી પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ખેડૂતોને સમૃદ્ધિની દિશા મળી છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારતમાં આજે પ્રાકૃતિક ખેતીએ મિશન મોડમાં વેગ પકડ્યો છે. દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ ભૂમિમાં હવે ખેડૂતો માત્ર ડાંગર કે શેરડી પર નિર્ભર ન રહેતા આધુનિક અને બજારલક્ષી ખેતી તરફ વળ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પરંપરાગત ખેતીની સાથે ‘વેલ્યુ એડેડ’ ખેતી અને ખેડૂતોની આવક બમણી કરવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે વાત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામના બે ખેડૂત ભાઈઓની જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને ‘ફ્યૂચરિસ્ટીક ફાર્મિંગ’ અપનાવ્યું છે.
રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ અને નિયમોને આધીન, ઉંભેળના બે પ્રગતિશીલ ખેડૂત ભાઈઓએ ભવિષ્યના બજારનો તાગ મેળવીને ખજૂરીનું વાવેતર કર્યું છે. જેના દ્વારા કુદરતી અને સ્વાસ્થ્યવર્ધક પીણું ‘નીરા’નાં ઉત્પાદન અને વેચાણ થકી કરી રહ્યા છે મબલખ કમાણી.
વર્ષોથી ખેતી સાથે જોડાયેલા ખેડૂત હેમંતભાઈ અને રાજેશભાઈ પટેલના જણાવ્યા મુજબ અગાઉ પરંપરાગત રીતે શાકભાજી, શેરડી, ડાંગરની ખેતી કરતા હતા. આજથી ૧૦ વર્ષ પહેલા ખેતરના શેઢે ૧૦ ખજૂરી વાવી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન શરૂ થવાથી માત્ર એક જ સિઝનમાં સારી આવક મળી. એટલે આવનાર દસ થી પંદર વર્ષનો વિચાર કરીને ૮ વીઘામાં ૩૫૦૦ ખજૂરીના વાવેતર કર્યું.
વધુમાં કહ્યું કે, આજની પેઢી જે કેમિકલયુક્ત ઠંડા પીણાં તરફ વળી છે. તેની સામે ‘નીરો’ એક શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ છે. હાલમાં દરરોજ ૧૦૦ ખજૂરીમાંથી અંદાજિત ૧૮૦ થી ૨૦૦ લીટર નીરાનો ઉતારો આવે છે. અને આગામી વર્ષ સુધીમાં દૈનિક ૧૦૦૦ થી ૧૨૦૦ લીટર ઉત્પાદનનો નિર્ધાર છે. સરકારની માર્ગદર્શિકા મુજબ આરોગ્યવર્ધક નીરાનું વેચાણ થાય છે. વહેલી સવારથી બારડોલી, નવસારી અને ખાસ કરીને વિદેશથી આવતા NRI (બિનનિવાસી ભારતીયો) પણ આ શુદ્ધ અમૃત સમાન નીરો પીવા માટે આવે છે.
આજના સમયમાં જ્યારે મોટાભાગના યુવાનો ડિગ્રી મેળવીને ૯ થી ૫ની નોકરીમાં બંધાવા માંગે છે, ત્યારે હેમંતભાઈ પટેલના પુત્ર જય પટેલે એક નવો ચીલો ચીતર્યો છે. જયે નોકરીની ગુલામીને બદલે પોતાની ધરતી પર સ્વેદબિંદુ રેડીને ‘એગ્રી-પ્રેન્યોર’ (ખેતી સાહસિક) બનવાનું પસંદ કર્યું છે. જય પટેલે કહ્યું હતું કે, જો ખેતીમાં કુશળ આયોજન અને આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે, તો ચોક્કસથી સફળ ‘સ્ટાર્ટઅપ’ વિકસાવી શકાય છે. જો ગામડાનો યુવાન શિક્ષિત બનીને ખેતીમાં પોતાનું કૌશલ્ય બતાવે, તો ભારત સાચા અર્થમાં કૃષિપ્રધાન દેશ બની રહેશે એમ મારું માનવું છે.
ઉંભેળના રહેવાસી ચેતનભાઈ પટેલ કહે છે કે, શરીરના સ્વાસ્થ્ય માટે શિયાળાની ઋતુમાં આ કુદરતી નીરો આશીર્વાદ સમાન છે. આરોગ્યને નિરોગી રાખતો નીરો પ્રોટીન, ફેટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, વિટામિન એ, બી અને સી તેમજ કેલોરીઝ જેવા પોષક તત્વોથી ભરપુર છે. ખજૂરીમાંથી મળતું આ કુદરતી પીણું ઉર્જા અને આરોગ્ય પ્રદાન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિવિધ મિનરલ્સ હોવાથી તેને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. નીરો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનતંત્ર માટે પણ ગુણકારી છે.
સુરતના પ્રગતિશીલ ભાઈઓની એ સાબિતી છે કે, જો ખેડૂત કંઈક નવું વિચારે, તો ખેતી એ ખોટનો સોદો નહીં પણ સમૃદ્ધિનું દ્વાર છે. ‘નીરા’ જેવું શુદ્ધ અને કુદરતી પીણું લોકોના સ્વાસ્થ્યની સાથે ખેડૂતના આર્થિક સ્વાસ્થ્યને પણ સુધારી રહ્યું છે.

સ્વાસ્થ્યવર્ધક ‘નીરા‘ને ખજૂરીના વૃક્ષમાંથી એકત્ર કરવાની કુશળ પદ્ધતિ

સ્વાસ્થ્યવર્ધક નીરો એકત્ર કરવા સૌ પ્રથમ તંદુરસ્ત અને પુખ્ત વયના ખજૂરીના વૃક્ષની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ ખજૂરીના વૃક્ષના ઉપરના ભાગે પાંદડાની નીચેના હિસ્સામાં સાવચેતીપૂર્વક છાલ ઉતારીને કાપ મૂકી છાલ સાફ કરવામાં આવે છે. અને કાપેલા ભાગમાંથી રસ (નીરો) વહી શકે તે માટે વાંસની કે લાકડાની નળી બેસાડવામાં આવે છે.

નળીની નીચે સ્વસ્થ ગળણી મૂકીને માટીનું માટલું અથવા સ્વચ્છ પાત્ર લટકાવવામા આવે છે, જેમાં નીરો એકત્ર થાય છે. નીરો હંમેશા વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉતારી લેવામા આવે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!