Traffic Tail

સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા કરોડોની છેતરપિંડી

SHARE:

સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા કરોડોની છેતરપિંડી
 
બેન્ક ખાતુ કોઈને પણ કમિશનથી આપતા પહેલા સાવધાન.. કોઈપણ પરિચિત કે અજાણી વ્યક્તિના કહેવાથી બેંક ખાતામાં નાણાની લેવડદેવડ ન કરો
 
રાજ્ય પોલીસ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હંટ’થી સાયબર ગુનેગારો પર સકંજો: મ્યુલ એકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિ પણ ગુનામાં સહભાગી ગણાય છે
‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા કરોડોની સાયબર છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની સૂચના અન્વયે મ્યુલ અકાઉન્ટ ધારકો પર રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બેંક ખાતું કમિશનથી, ભાડે આપનાર સેંકડો આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમનો આ નવો ટ્રેન્ડ છે. જેમાં સાયબર ગુનેગારોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેને પોલીસ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવામાં આવે છે. સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપીને તેમના બેન્ક ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. માત્ર ૧૦૦૦ અને ૨૦૦૦ રૂપિયાની લાલચમાં સામાન્ય વ્યક્તિ બેંક ખાતું અન્યને ઉપયોગ કરવા આપી દે છે અને ગુનેગારોની જાળમાં આવી જાય છે.
સાયબર ક્રાઇમના મોટા ગુનેગારો સામાન્ય વ્યક્તિને થોડી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે પોલીસ દ્વારા ગુનો દાખલ થાય છે અને તપાસ થાય છે, ત્યારે જેનું એકાઉન્ટ હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય છે.
રાજ્ય પોલીસ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હંટ’થી સાયબર ગુનેગારો પર સકંજો કસવામાં આવી રહ્યો છે. પોલીસે ‘મ્યુલ એકાઉન્ટ’ના અનુસંધાનમાં સંખ્યાબંધ ગુનાઓ દાખલ કર્યા છે. સાયબર બાબતોના તજજ્ઞ દિનેશ ભાટી અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મહેન્દ્ર સોનીએ સમગ્ર સાયબર ફ્રોડ વિષે વિગતો આપતા જણાવ્યું કે, ‘મ્યુલ’ એટલે એવો વ્યક્તિ જે માત્ર નાણાકીય લાલચમાં આવીને પોતાનું બેન્ક એકાઉન્ટ, ડિટેલ્સ, PIN નંબર અને ચેકબુક અન્ય વ્યક્તિને સોંપી દે છે. આ વ્યક્તિ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાંને આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. જેના બદલામાં, મ્યુલને ટ્રાન્સફર થયેલી કુલ રકમના ૧ લાખે ૧ થી ૩% (એટલે કે રૂ.૧૦૦૦ થી ૩૦૦૦) જેટલો નજીવો ફાયદો મળે છે. સાયબર ફ્રોડની વત્તી ઓછી રકમ અનુસાર ગુનેગારો આ કમિશનમાં વધારો પણ કરે છે.
છેતરપિંડી કરનારા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા ગેરકાયદેસર નાણાંને ટ્રાન્સફર કરવા માટે કરે છે. આ નાણાં ઓનલાઈન ગેમિંગ, ડિજીટલ એરેસ્ટ, જોબ સ્કેમ, પ્રોપર્ટી લે-વેચ કે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, કે અન્ય પ્રકારના સાયબર ફ્રોડથી મેળવેલા હોય છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના પૈસા આ મ્યુલ એકાઉન્ટમાં જમા થાય છે. ત્યારબાદ, આ નાણાંને તરત જ અન્ય અનેક બેંકોના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, રોકડમાં ઉપાડી લેવામાં આવે છે, અથવા ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) માં કન્વર્ટ કરીને વિદેશી ગેંગ (જેમ કે દુબઈ કે ચીન સ્થિત) ને મોકલી દેવામાં આવે છે. એમ શ્રી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું.
મ્યુલ એકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિ પણ ગુનામાં સહભાગી ગણાય છે અને તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય છે. માત્ર નજીવી રકમની લાલચમાં, વ્યક્તિ ગુનેગાર બની જાય છે અને તેને જેલમાં જવું પડે છે. જેથી કોઈપણ સંજોગોમાં કોઈપણ જાણીતી કે અજાણી વ્યક્તિને પોતાના બેન્ક એકાઉન્ટની ડીટેલ્સ, PIN નંબર, પાનકાર્ડ, ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ પણ સંવેદનશીલ માહિતી આપવી જોઈએ નહીં અને પોતાની નાણાકીય સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરવી જોઈએ.
જો તમે અથવા તમારા કોઈ પરિચિત સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હો તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોર્ટલ પર અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!