મહુવા પોલીસે મિયાપુર ટ્રાફિક ચોકી પાસેથી દેશી પિસ્તોલ સાથે એકની ધરપકડ કરી.
મહુવા તાલુકાના ડુંગરી ગામના યુવાન પાસેથી મહુવા પોલીસે મેગઝીનમા કાટીઝ સાથેની દેશી હાથ બનાવટની પિસ્તોલ ઝડપી પાડી હતી.પોલીસે પિસ્તોલ સાથે ફરતા યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે સારું હથિયાર અંગેના કેસો શોધી કાઢવાની ડ્રાઈવ રાખી હતી. જે સૂચના અંગે મહુવા પી.આઈ કે.સી પારગીના માર્ગદર્શન હેઠળ મહુવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તે અંતર્ગત મહુવા પી.આઈ ને બાતમી મળી હતી કે એક લાલ કલરની મોપેડ (GJ-26-AD-4037)નો ચાલક તેની પાસેની ગેરકાયદેસર પિસ્તોલ પોતાના કબ્જામાં રાખી અનાવલ તરફથી બારડોલી તરફ જનાર છે.જે બાતમી આધારે મહુવા પોલીસ મિયાપુર ટ્રાફિક પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી બેઠી હતી. તે દરમિયાન બાતમી વાળુ મોપેડ આવતા પોલીસે કોર્ડન કરી ચાલક યુવાનને અટકાવી તલાસી લેતા યુવાનના પાછળના પેન્ટના નેફામાંથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મેગઝીનમા કારટીઝ સાથે મળી આવી હતી. પોલીસે યુવાનની અટકાયત કરી પૂછતાછ કરતા મહુવા તાલુકાના ડુંગરી ગામે કણબી વાડ ફળિયામાં રહેતો અને જમીન દલાલીનો વ્યવસાય કરતો 32 વર્ષીય યુવાન સાગર હિતેશભાઈ પટેલ હોવાનુ કબુલ્યું હતુ.પોલીસે યુવાનની અટકાયત કરી તપાસ કરતા પોલીસ તપાસ દરમિયાન મહુવા તાલુકાના વાંસકુઈ ગામના સાગર ગરાસીયા અને અન્ય એક બિહારી નામનો અજાણ્યા યુવાનનું નામ બહાર આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




