‘કૃષિ વિકાસ દિન’, રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫: અંબિકા
અંબિકા તાલુકાના વલવાડા ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કરાવ્યો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
પરંપરાગત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતાને ફળદ્રુપ બનાવી વધુ આવક મેળવી શકાય છે: ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા
કૃષિ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ મંજૂરીહુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા
ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં યોજાઇ રહેલા કૃષિ વિકાસ દિનની ઉજવણી હેઠળ સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વલવાડા ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, પરંપરાગત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતાને ફળદ્રુપ બનાવી વધુ આવક મેળવી શકાય છે. સાથે રાસાયણિક કૃષિથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર થતી હોય ખેડૂતોને ઇકો-ફ્રેન્ડલી પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો પણ ઓછો થતો હોવાથી ખેડૂતોને વધુ આવક મળી રહેશે એમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ વરસાદ સમયસર અને પૂરતા પ્રમાણમાં પડ્યો હોવાથી પાણીની અછત રહેશે નહી તેમજ સરકારના નહેર સુધારણા કાર્યોથી સિંચાઈ માટે ડેમનું પાણી છેવાડાના વિસ્તારના ખેડૂતોને મળતા બારે માસ ખેતી કરતા થયા છે. એમ જણાવી તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લો મૂકી મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ પ્રદર્શિત કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ દ્રવ્યો અંગે જાણકારી મેળવી હતી. આ વેળાએ પંચમહાલ-ગોધરાના છબનપુર ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ સૌ કોઈએ નિહાળ્યું હતું. મહાનુભાવોના હસ્તે ખેતીવાડીની યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે તા.પં. પ્રમુખ શીલાબેન પટેલ, તા.પં.ઉપપ્રમુખ, ચેતનભાઈ મિસ્ત્રી, બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, સરપંચ જ્યોત્સનાબેન પટેલ, નાયબ બાગાયત નિયામક સી.જી.પટેલ, મદદનીશ ખેતી નિયામક આર.વી.પટેલ, TDO મિલનભાઈ પવાર, મામલતદાર ભરતભાઈ પટેલ, નાયબ મામલતદાર મહેશભાઈ પટેલ, બાગાયત અધિકારી ઉમેશભાઈ ચૌહાણ, દૂધ મંડળીના પ્રમુખો કલ્પેશભાઈ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક ડો.ગૌતમ આર. પરમાર, લાભાર્થીઓ, ખેડૂતો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





