Traffic Tail

સાસુ-વહુના પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ.

SHARE:

સાસુ-વહુના પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ

સુરત,શનિવાર:- બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સાસુ-વહુના પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું.
એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી કહ્યું કે આશરે ૭૦ વર્ષીય એક અજાણી વૃદ્ધ મહિલા પલસાણા તાલુકાના કાલાઘોડા પાસે રાતથી એકલાં રસ્તા પર બેઠાં છે. આ વૃદ્ધાને મદદની જરૂર છે. જેથી ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બુ, એ.એસ.આઈ ચૌધરી વનિતાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ ઘટનાસ્થળે પહોચ્યા. બાદમાં જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલા ગત રાત્રિથી અહીં બેઠા છે. વૃદ્ધા તેમના દીકરા અને પુત્રવધુ સાથે અહીં નજીકની સોસાયટીમાં રહે છે અને તેમના ઘરનું સરનામું પણ જણાવતા હતા, પરંતુ દીકરાના ઘરે પરત જવા માટે ઈન્કાર કરતા હતા.
વૃદ્ધાએ કાઉન્સેલિંગ દરમ્યાન જણાવ્યું કે તેમની પુત્રવધુ સાથે ઘરકામ અને બાળકની સાર-સંભાળ રાખવાની બાબતે અવાર નવાર બોલાચાલી થતી હોય છે. કાલે રાતે પુત્રવધૂ સાથે ઝઘડો થયો અને વૃદ્ધાના પુત્રવધૂ એ તેમના દિકરાને કહ્યુ કે હવે તમારી માતાને ગામડે મોકલી આપો મારે અહીં એમની સાથે રહેવું નથી. એ વાત સાંભળીને વૃદ્ધ મહિલાને ખૂબ દુઃખ થયું હતું તેથી તેઓ રાતે ઘરેથી એકલા બહાર નીકળી ગયા હતા અને રસ્તા પર આખી રાત બેઠા રહ્યા.
વૃદ્ધાએ કહ્યું કે હવે તેમના દીકરા અને પુત્રવધુ સાથે તે રહેવા માગતા નથી. મને કોઈ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપો. પરંતુ ઘરનો માળો ન વિખેરાય એ માટે અભયમ ટીમે મહિલાના દિકરા, પુત્રવધુ અને પાડોશીઓ સાથે વાતચીત કરી સમજાવ્યું કે,”જે માતાપિતાએ પોતાનું આખું જીવન આપણા માટે ખર્ચી નાખ્યું તેમની સાર-સંભાળ રાખવી તે તમારી નૈતિક ફરજ છે. શું આ સમય નથી કે આપણે એમને હુંફ આપીએ? વડીલોએ આપણું જતન કર્યું છે હવે તેમનું જતન કરવું તે સંતાનોની નૈતિક ફરજ છે.*
બંને પક્ષના કાઉન્સેલિંગ દરમ્યાન કાયદાકીય સલાહ, સૂચન, માર્ગદર્શન આપીને સમસ્યાનું નિરાકરણ કર્યું ત્યારબાદ 181 ટીમે વૃદ્ધ મહિલા અને તેમના પુત્રવધુ વચ્ચે થતા ઝઘડાની ઝીણવટપૂર્વક ચર્ચા કરી બંને વચ્ચે મતભેદો દૂર કરી રાજીખુશીથી સમાધાન કર્યું હતું.
વૃદ્ધાએ ભાવુક થઈ અભયમ ટીમનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!