સુરતમાં કારખાનાની દીવાલ ધરાશાયી: ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઈલ્ડ સંસ્થા દ્વારા અકસ્માતગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક મદદ કરાઈ
કોલકાતાના વતની શ્રમિકને સારવાર, કાનૂની કાર્યવાહી અને વતન પાછા જવા સહાય આપી

સુરત શહેરમાં છૂટક મજૂરી કરતા શ્રમિક પર એક કારખાનાની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ મજૂર મૂળ કોલકાતાના વતની છે અને સુરતમાં એકલા રહી મજૂરી કરતા હતા.
ઘટનાની જાણ નાનપુરાની કિન્નર નુરી કુંવરના માધ્યમથી FFWC (ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઈલ્ડ) સંસ્થાની સભ્ય હેતલબેન નાયક સુધી પહોંચી હતી. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરતા ઈજાગ્રસ્ત શ્રમિકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. તે સમયે FFWCના કો-ઓર્ડિનેટર પિયૂષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ હેતલબેન મજૂરની સારવાર દરમિયાન તેમની સાથે હાજર રહ્યા હતા.
શ્રમિકનું તાત્કાલિક CT સ્કેન, એક્સ-રે અને જરૂરી તમામ તપાસો કરાવાઈ. આ સાથે, હેતલ નાયકે પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી અને જે કારખાનાની દીવાલ ધરાશાયી થઈ હતી, તેના માલિકને સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવીને તેમની જવાબદારી નિશ્ચિત કરાવવામાં આવી.કારખાના માલિક દ્વારા શ્રમિકના સમગ્ર સારવારનો ખર્ચ ભરવામા આવ્યો તેમજ શ્રમિકના સાજા થયા બાદ તેમના વતન કોલકાતા સુધીના પ્રવાસ માટેની વ્યવસ્થાની જવાબદારી પણ લેવામાં આવી હતી.
FFWC સભ્ય હેતલ નાયક અને કો-ઓર્ડિનેટર પિયૂષભાઈના સહયોગથી અકસ્માતગ્રસ્ત મજૂરને તાત્કાલિક તબીબી સારવાર, કાનૂની સહાય અને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. આ ઘટના સામાજિક સંગઠનોની તત્પરતા અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીનું ઉદાહરણ છે






