સરકારની મદદ, મહિલાઓની મહેનતના કારણે વાંસવા ગામની પારદેવી માં સખી મંડળ બન્યું લખપતિ દીદી
સરકારની મિશન મંગલ યોજના થકી વાંસવા ગામની ૧૦ બહેનોને મળ્યો ઘરનો ઉંબરો ઓળંગવાનો અવસર:
પારદેવી માં સખી મંડળને રૂ.૧૫ હજારનું રિવોલ્વીંગ ફંડ,રૂ.૬ લાખની કેશ ક્રેડિટ અને રૂ.૨,૫૦૦ સ્ટાફફંડની સહાય મળી:

વાંસવા ગામની બહેનોના મરી મસાલાનો સ્વાદ ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ અને કેનેડા સુધી પહોચ્યોઃ
સખી મંડળની રચનાથી બહેનોમાં વ્યવસાય માટેનો જોમ અને જુસ્સો વધ્યો:
મિશન મંગલમ યોજનાએ ઘર આંગણે રોજગારી મેળવવાના અમારા સ્વપ્નને સાકાર કર્યું:
-: પારદેવી માં સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ

વાંસવા ગામની બહેનો મસાલા ઉદ્યોગ દ્વારા દરેક બહેનો મહિને રૂ.૧૫ હજારની આવક મેળવી આત્મનિર્ભર બની
સશક્ત મહિલા દ્વારા જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે. સ્ત્રી સશક્તિકરણની દિશામાં ગુજરાતનો ઈતિહાસ અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યો છે. ગુજરાતમાં એવું કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું જેમાં નારીઓએ પોતાની કાબેલિયત અને ક્ષમતા પુરવાર ન કરી હોય એવામાં મિશન મંગલમ યોજના થકી ગામડાની બહેનોને સંગઠિત કરી, સ્વરોજગારી માટે કોશલ્ય વર્ધક તાલીમ પુરી પાડી તેમજ અંગત બચત માટે પ્રોત્સાહિત કરવાનો અને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને એ મુખ્ય ઉદેશ છે.
ગુજરાતની નારીઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બની છે, જેનું જીવંત દ્રષ્ટાંત સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંસવા ગામની દસ બહેનોએ સ્વરોજગારી મેળવીને પુરુ પાડ્યું છે. ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી માત્ર નાની બચત કરતું પારદેવી માં સખી મંડળ હવે મહિને એક લાખથી વધુનો વેપાર કરીને લખપતિ દીદી બનીને નામના મેળવી છે.
મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા “લખપતિ દીદી યોજના” ૨૦૨૩માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂા.૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. ત્યારે મિશન મંગલમ યોજના અને અદાણી ફાઉન્ડેશન સહયોગથી વાંસવા ગામની દસ બહેનોએ ઘરનો ઉંબરો ઓળંગી આર્થિક રીતે પગભર થઇ સમાજમાં સ્વમાનભેર પોતાનું તથા પોતાના કુંટુંબને આર્થિક રીતે મજબુત કરવાનું સરાહનિય પગલું ભર્યું છે.
પારદેવી માં સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલે જણાવે છે કે, “મિશન મંગલમ (NRLM) હેઠળ ૨૦૨૦માં અમારા સખી મંડળની નોંધણી કરવામાં આવી હતી. શરૂઆતમાં અમોએ નાની બચત સાથે મસાલા ઉદ્યોગની શરૂઆત કરી. આ દરમિયાન અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ સાથે મુલાકાત થતા તેમની સહાયથી મસાલા ઉદ્યોગ વિશેની માહિતી તેમજ તાલીમ મેળવી. તાલીમ બાદ મિશન મંગલમ યોજનાથી રૂ.૬ લાખની લોન મળી. આથી મસાલા તૈયાર કરવા માટે ઘંટી, મિક્સર, પેકિંગ મશીન, ડિજિટલ વજનકાંટો અને કાચા માલસામાનની ખરીદી કરી ઘરેથી ઉદ્યોગ શરૂ કર્યો. અમો બહેનો સાથે મળીને હળદર, ચાનો મસાલો, ધાણા-જીરૂ, લાલ મરસા, મેથી, વરીયાળી, એલચી, રાય જેવા મસાલાનો પાવડર બનાવીએ છીએ. આમ ૨૦થી વધુ પ્રકારના મરી મસાલાઓનું જાતે જ બનાવી પૈકિંગ કરતા હોવાનું તેઓ જણાવે છે.તેઓ કહે છે કે, અમારા મસાલાઓમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી ન હોવાથી બજારમાં ખુબ માંગ રહે છે. અમો સોશિયલ મીડિયાના માધ્યમથી મસાલા વેચાણનો પ્રચાર શરૂ કર્યો છે આજના દિવસે ગામે-ગામથી લોકો મસાલા ખરીદવા આવે છે. માત્ર સ્થાનિક જ નહીં, ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ અને કેનેડા સુધી પણ આ મસાલાની માંગ વધી છે. અમો પેકિગ કરીને કુરીયર દ્વારા વિદેશોમાં ઓર્ડર પ્રમાણે માલ મોકલાવીએ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું કે, ધીરે ધીરે મસાલા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. ત્યારે સખી મંડળને વિવિધ યોજના થકી રૂ.૧૫ હજારનું રિવોલ્વીંગ ફંડ, રૂ.૬ લાખની કેશ ક્રેડિટ અને રૂ.૨૫૦૦ સ્ટાફફંડની સહાય પ્રાપ્ત થઈ છે. જેના થકી હવે દર મહિને દરેક બહેનોને રૂ.૧૫ હજાર જેટલી આવકની મેળવી રહી છે. સરકારની સહાયથી અમે દશ બહેનો આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ બની રહી છે.
દરિયાઈ કાંઠા વિસ્તારમાં ઘર આંગણે પોતાનો વ્યવસાય કરીશું એવું વિચાર્યું પણ નહોતું અને સખી મંડળની રચનાથી બહેનોમાં વ્યવસાય કરવાનું નવું સાહસ દેખાયું છે એમ કહેતા ભાવનાબેન પટેલે હર્ષભેર જણાવ્યું હતું.
O
અદાણી ફાઉન્ડેશનની ફાલ્ગુની દેસાઈએ જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૨૧થી અમે પારદેવી ગામના સખી મંડળ સાથે કાર્યરત છીએ. સરકારની મિશન મંગલમ યોજના થકી બહેનોને મસાલા ઉદ્યોગ માટે નવી દિશા મળી છે. શરૂઆતમાં બહેનો પોતાના ઘરેથી વ્યવસાય ચલાવતા હતા. બહેનોના ઉદ્યોગને વધુ વિકસાવવાના હેતુથી વાંસવા ગામ નજીક અદાણી ફાઉન્ડેશનના સી.આર.સી. ફંડ દ્વારા રૂ.૧.૯૦ લાખના ખર્ચે વિશેષ કેબિન બનાવી આપવામાં આવી છે. હવે આ કેબિનમાં બહેનો મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કાર્ય સફળતાપૂર્વક કરી રહી છે.






