Traffic Tail

અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના સાહિત્યકારોની નોંધપાત્ર ઉપસ્થિતિ

SHARE:

અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના સાહિત્યકારોની નોંધપાત્ર ઉપસ્થિતિ

ગુજરાતની આદિવાસી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને રાષ્ટ્રીય મંચ પર મળી આગવી ઓળખ

ભોપાલ, તા. 29 જૂન : મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MANIT) ખાતે આયોજિત પ્રથમ એક દિવસીય અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત થયેલા આદિવાસી સાહિત્યકારો, સંશોધકો અને સાંસ્કૃતિક કાર્યકરો વચ્ચે દક્ષિણ ગુજરાત અને દાદરા-નગર હવેલીના પ્રતિનિધિઓએ નોંધપાત્ર હાજરી નોંધાવી હતી. આ મહોત્સવમાં દક્ષિણ ગુજરાત અને દાદરા-નગર હવેલીમાંથી કુલ પંદર પ્રતિનિધિઓએ ભાગ લઈને ગુજરાતના આદિવાસી સાહિત્ય, ભાષા અને સાંસ્કૃતિક વૈવિધ્યને રાષ્ટ્રીય મંચ પર ગૌરવભેર રજૂ કર્યું હતું., જેને આયોજક એવા પર્યાવરણવિદ્ શરદ કુમરે અને સમિતિના સદસ્યોએ વધાવ્યું હતું.
પ્રતિનિધિમંડળમાં સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, અખિલ ભારતીય ધોડીઆ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, આહવા-ડાંગના જાણીતા તબીબ, લેખક અને સંશોધક ડૉ. એ. જી. પટેલ, નાનાપોંઢા તાલુકાના ધોધડકુવા ગામના જાણીતા વાર્તાકાર અને સંશોધક અરવિંદ પટેલ તેમજ અંબિકા તાલુકાના કોસ ગામના ધોડીઆ ભાષાના પ્રથમ રાષ્ટ્રીય કક્ષાના કવિ-લેખક કુલીન પટેલ સહિતના સાહિત્યપ્રેમી અને કર્મશીલો એવા ઠાકોરભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ડૉ. વિમુખ પટેલ, શોધાર્થી પિયુષ પટેલ, યોગેશ પટેલ, અશોકભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, નવિનભાઈ પટેલ તેમજ યુવા કર્મશિલો ભાવિક પટેલ અને વત્સલ ગરાસિયા વગેરે અગ્રણીઓનો સમાવેશ થતો હતો.
મહોત્સવ દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિઓએ દક્ષિણ ગુજરાતમાં સંવર્ધિત આદિવાસી ભાષા, લોકસાહિત્ય, લોકપરંપરા અને સાંસ્કૃતિક વારસાની વિશેષતાઓને અસરકારક રીતે રજૂ કરી હતી. વિવિધ સત્રોમાં ગુજરાતના આદિવાસી સમાજની સાહિત્યિક પરંપરા, સંશોધન પ્રવૃત્તિઓ અને ભાષાકીય સમૃદ્ધિ અંગે માહિતી રજૂ થતાં દેશભરના સાહિત્યકારોએ પણ રસપૂર્વક પ્રતિસાદ વ્યક્ત કર્યો હતો. વિશેષ કરીને ધોડીઆ ભાષા અને તેના સાહિત્યને રાષ્ટ્રીય ફલક પર સ્થાન અપાવવાના પ્રયાસોને ઉપસ્થિત વિદ્વાનોએ બિરદાવ્યા હતા. આ અવસરે ગુજરાતના પ્રતિનિધિઓએ આદિવાસી સાહિત્યના સંવર્ધન, સંશોધન અને નવી પેઢીમાં ભાષા-સંસ્કૃતિના જતન માટે થઈ રહેલા પ્રયાસોની માહિતી પણ આપી હતી.
આ મહોત્સવમાં ગુજરાતના પ્રતિનિધિમંડળે પોતાની સક્રિય અને ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ દ્વારા ગરવી ગુજરાતની આદિવાસી સાહિત્યિક અને સાંસ્કૃતિક ઓળખને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરી, જેના પરિણામે ઉપસ્થિત સાહિત્યકારો અને વિદ્વાનોમાં ગુજરાતના આદિવાસી સાહિત્ય પ્રત્યે વિશેષ રસ અને પ્રશંસા જોવા મળી હતી. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાતના આદિવાસી સાહિત્ય માટે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ સમાન બન્યો હોવાનું પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!