Traffic Tail

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ખાતે રૂ.૧.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

SHARE:

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ખાતે રૂ.૧.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

ગુજરાતના અંતરિયાળ વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સરકાર કટિબદ્ધ:

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવથી સરકારની આશ્રમશાળા-એકલવ્ય સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ આવી રહ્યું છે
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ખાતે શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂ.૮૧ લાખ ગ્રાન્ટ તથા શ્રી સર્વોદય કેળવણી મંડળના દાતાઓના સંયુક્ત દાનથી રૂ.૧.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત આશ્રમશાળાનું લોકાર્પણ કરાયું હતું.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ આશ્રમ શાળાઓના સકારાત્મક વાતાવરણ અને શૈક્ષણિક પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના બાળકોને ઘર આંગણે જ ઉત્તમ શિક્ષણ અને રહેવાની સુવિધા મળી રહે તે માટે સરકાર સતત કાર્યશીલ છે. કેળવણી મંડળ દ્વારા વર્ષો પહેલાં શરૂ થયેલી શિક્ષણની જ્યોત આજે વટવૃક્ષ બની ચૂકી છે અને રાજ્યમાં હાલ ૭૫૦થી વધુ આશ્રમશાળાઓ કાર્યરત છે. વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
વધુમાં આદિજાતિ વિકાસ મંત્રી એ કહ્યું કે, ગુજરાતના અંતરિયાળ વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સરકાર કટિબદ્ધ છે એમ જણાવી કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીની શરૂઆત કરી ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ૩૦ ટકા હતો, જે આજે ઘટીને માત્ર એક ટકા એ પહોંચ્યો છે. આજે શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડી, બાલવાટિકાથી તેમજ ધોરણ-૧ માં બાળકો હસતા-હસતા શાળાએ આવી રહ્યા છે.
મંત્રીશ્રી નરેશભાઈ પટેલે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં આશ્રમ શાળામાં બાળકોનો માસિક નિભાવ ખર્ચ રૂ.૨૧૦૦ હતો. જે વર્તમાન વર્ષે વધારીને રૂ.૨૫૦૦ કરાયો છે એમ તેમણે જણાવ્યું હતું. સરકારના આ ભગીરથ પ્રયાસોને કારણે આજે આશ્રમ શાળાઓ અને એકલવ્ય રેસિડેન્શિયલ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા મળી રહ્યું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શિક્ષણ જ મૂળ પાયો છે. આ ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે શિક્ષકોએ પોતાની મોટી જવાબદારી નિભાવવી પડશે અને સાથે જ વાલીઓએ પણ જાગૃત થવું પડશે એમ તેમણે કહ્યું હતું. આગામી સમયમાં ૧૦૩૬ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર હોવાની વિગતો આપી કહ્યું હતું કે, જો વિધાર્થીઓમાં સ્કિલ હશે તો તેમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે એમ તેમણે ઉમેર્યું હતું
આ અવસરે ધારાસભ્યશ્રી મોહભાઈ ઢોડિયાએ પોતાના વક્તવ્યમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે માળખાગત સુવિધાઓની અનિવાર્યતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, શિક્ષણના વ્યાપ અને વિકાસ માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂની હોય તેવી ૮૦ ટકા શાળાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં આ વિસ્તારના વિવિધ કેળવણી મંડળો સાથે જોડાયેલા અગ્રણી માનસિંહભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ભગીરથ કાર્ય કર્યું છે. આ ઉપરાંત, શિક્ષણના વધુ વિકાસ માટે નવા શૈક્ષણિક પ્રકલ્પોની વિગતો આપતા જણાવ્યું કે બારતાડ ગામમાં નવી ‘એકલવ્ય મોડેલ સ્કૂલ’નું નિર્માણ થઈ રહ્યું છે, ગોપલા ગામમાં નવી હાઈસ્કૂલ મંજૂર કરવામાં આવી છે, તેમજ અંબિકા તાલુકામાં નવી કોલેજ મંજૂર કરવામાં આવી છે.
આ અવસરે પૂર્વ સાંસદ સભ્ય અને શ્રી સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ માનસિહભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૬૩ વર્ષ પહેલા અનેક દાતાઓના સહયોગથી સર્વોદય કેળવણી મંડળની શરૂઆત થઈ હતી. સરકારે વિધાર્થીઓના નિભાવ માટે રૂ.૨૫૦૦ની સહાય કરી રહી છે. આશ્રમ શાળાઓમાં વિધાર્થીઓ જીવન જીવવાની કળા શીખે છે. કોઈ પણ પડકારોને જીલી શકે છે. સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓથી સહાયથી શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ અવસરે સર્વોદય કેળવણી મંડળના માનદ ટ્રેઝરર હિતેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું કે, સરકાર અને સર્વોદય કેળવણી મંડળ સાથે મળીને છેવાડાના આદિવાસી બાળકો અભ્યાસમાં આગળ વધવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ પ્રતિકરૂપે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું અને શાળાના સમગ્ર સંકુલની મુલાકાત લઈને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મહાનુભાવોના આશ્રમ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવ્યો હતો.

આ પ્રસંગે માંડવી પ્રાયોજના વહીવટદાર એસ. એમ. ગઢવી, બારડોલી પ્રાંત જીજ્ઞાબેન પરમાર, મદદનીશ કમિશનર કે.એમ. સિંધવ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ શાહ, મામલતદાર ભરતભાઈ પટેલ, માનદ્દમંત્રી સુરેશભાઈ શાહ, સહમંત્રી હેમાંશુભાઈ પટેલ, ટ્રેઝરર ડૉ. હિતેન્દ્રભાઈ વ્યાસ, શાળાના આચાર્ય સતિષભાઈ પટેલ, શિક્ષકગણ, આશ્રમશાળાના બાળકો, વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!