સુરત જિલ્લામાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે
તા.૨૯મીએ ચોર્યાસી તાલુકાના દામકા ગામેથી કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ થશે
કૃષિ તજજ્ઞો ખેડૂતોને આગામી ચોમાસાની ઋતુ માટે ખેતી-પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરૂ પાડશે
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કરવામાં આવશે. જેમાં દરરોજ ખરીફ પાકો વિષે માર્ગદર્શન અને કૃષિને ઉન્નત બનાવવા માટે સમગ્ર દેશમાંથી કૃષિ વૈજ્ઞાનિકોની લગભગ ૨૧૭૦ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં ઓછામાં ઓછા ૪ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ યુનિવર્સિટી, કોલેજો, રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્રીય કૃષિ વિભાગના કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, F.P.O. વગેરે સાથે મળીને તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતો સાથે સંવાદ અને માર્ગદર્શન કરશે. ટીમો જે સ્થળે જશે ત્યાની કૃષિ આબોહવા, જમીનમાં પોષક તત્વોની હાજરી, પોષક તત્વોનો અભાવ, સિંચાઈના પાણીની સ્થિતિ, વરસાદ, આબોહવા, પશુપાલન, માટીની ગુણવત્તા, સોઇલ હેલ્થ કાર્ડના આધારે અનૂકૂળ પાકનું વાવેતર વિશે ખેડૂતોને માહિતગાર કરશે. કઈ પદ્ધતિથી વાવણી કરવી, બીજ અને ખાતર, જીવાતો અને રોગો સામે રક્ષણની રીતો વિષે જાણકારી આપશે.
આ નવીન અને સર્જનાત્મક ઝુંબેશ ૭૨૩ જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. અંદાજે ૨૧૭૦ ટીમો ૬૫ હજારથી વધુ ગામડાઓમાં ૧.૩૦ કરોડથી વધુ ખેડૂતો સાથે સીધો સંપર્ક કરશે. જે દેશમાં કૃષિ નવીનતા અને જાગૃતિને નવી દિશા આપશે. વૈજ્ઞાનિક તથ્યોના આધારે ખેડૂતોને વિવિધ ખરીફ પાકો તેમજ પ્રગતિશીલ ખેતીથી વાકેફ કરાશે. ખેડૂતો અને વૈજ્ઞાનિકો સામેલ થશે. આઈ.સી.એ.આર.ના ૭૩૧ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ૧૧૩ સંસ્થાઓના વૈજ્ઞાનિકો-નિષ્ણાતો સક્રિયપણે ભાગ લેશે.
સુરત જિલ્લાના તમામ તાલુકાના જુદા-જુદા ગામડાઓ પણ ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ તા.૨૯ મે થી ૧૨ જૂન સુધી યોજાશે. તા.૨૯મીએ ચોર્યાસી તાલુકાના દામકા ગામેથી આ અભિયાનનો શુભારંભ થશે. તા.૨૯મીએ દામકા પ્રાથમિક શાળામાં સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન આયોજિત સમારોહમાં દામકા, જુનાગામ, મોરા, સુવાલી, રાજગરી, ભટલાઈ, હજીરા, ભાટપોર, કવાસ અને વાંસવા ગામોના ખેડૂતોને માર્ગદર્શન અપાશે. ઉપરાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટના અધિકારી-કર્મચારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે જશે અને ખેડૂતોને આગામી ચોમાસું ઋતુ માટે ખેતી-પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરૂ પાડશે. તેમની મૂંઝવણોનું નિરાકરણ કરશે. જેથી પોતાના ગામમાં જ્યારે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન થાય ત્યારે તેમાં સક્રિય રીતે જોડાવવા માટે જિલ્લાના ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.






