ડુમસ-સુલતાનાબાદ ખાતે રૂ.૧૧.૭૭ કરોડમાં સાકારિત થનારી એન્ટી સી-ઈરોઝન દરિયાઈ સંરક્ષણ દીવાલનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સંરક્ષણ દીવાલના નિર્માણથી ડુમસ-સુલતાનાબાદ ગામના ૨૫૦૦૦ ગ્રામજનો સુરક્ષિત બનશે
આર.સી.સીની પાકી દીવાલથી ગ્રામજનોની જમીન ધોવાણની સમસ્યા દૂર થશે’
-: વન મંત્રી મુકેશભાઈ પટેલ
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે શહેરના ચોર્યાસી તાલુકાના ડુમસ- સુલતાનાબાદ ખાતે રૂ.૧૧.૭૭ કરોડમાં નિર્માણ પામનારી એમ એન્ડ આર ટુ આર.ટી. વોલ ફોર એન્ટી સી-ઈરોઝન (દરિયાઈ સંરક્ષણ દીવાલ)નું ખાતમુહૂર્ત કરાયું હતું. સુરત સિંચાઈ વિભાગ દ્વારા ડુમસના દરિયાકાંઠે આવતી અતિભારે ભરતીના પાણીને કારણે ગામની જમીન અને ઘરોનું ધોવાણ થતું અટકાવવાના હેતુસર ૩૨૦થી ૭૫૦ મીટરની સંરક્ષણ દીવાલનું નિર્માણ કરાશે જેના થકી ગામના આશરે ૪૦૦ ઘરોના ૨૫,૦૦૦ જેટલા ગ્રામવાસીઓને ફાયદો થશે અને સુરક્ષિત બનશે.
આ પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલા સમયથી ડુમસના દરિયામાં વારંવાર આવતી ભરતીના પાણી ગામમાં ભરાવાથી ગામની જમીનનું મોટા પાયે ધોવાણ થતું હતું. પરંતુ ટૂંક સમયમાં આર.સી.સીની પાકી દીવાલના નિર્માણથી ગ્રામજનોની જમીન ધોવાણની સમસ્યા દૂર થશે. આ સાથે જ ગામમાં ગટર અને પીવાના પાણી માટેના વિકાસ કાર્યો થયા હોવાની માહિતી આપી હતી. મંત્રીશ્રીએ સુરતના સહેલાણીઓ માટે કરોડોના ખર્ચે થઈ રહેલા ડુમસ બીચના વિકાસનો ઉલ્લેખ કરી પ્રથમ ફેઝનું કામ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તેમજ ડુમસ બીચના વિકાસ સાથે અહીંના સ્થાનિકોને પ્રાપ્ત થનારી નવી રોજગારીની તકો વિષે જણાવ્યું હતું.
વધુમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રીએ વન વિભાગ હેઠળ નગરવનનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવી પ્રકૃતિ સંરક્ષણના હેતુસહ બર્ડ પાર્કથી લઈ એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના સ્થળો વિકસાવવાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહેલા સુરતમાં તાપી નદી પર રૂંઢથી ભાઠા વચ્ચે સાકાર થનાર કન્વેશનલ બેરેજના કારણે આગામી ૫૦ વર્ષ સુધી સુરતમાં પીવાના પાણીની અછત ઊભી નહીં થાય એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદીપભાઈએ જણાવ્યું હતું કે, સંરક્ષણ દીવાલના નિર્માણથી અટકતા જમીન ધોવાણને કારણે ખેડૂતોને પણ લાભ થશે અને દરિયો આગળ વધતાં અટકશે. તેમણે કહ્યું કે, સ્થાનિકો માટે પીવાનું અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી તેમજ ગટર સહિતની સુવિધાઓ લગભગ દરેક ગામોમાં પૂરી પાડવામાં આવી છે. કાંઠા વિસ્તારના ગામોમાં સર્જાતી વિવિધ સમસ્યાને સમયાંતરે પહોંચી વળવા સ્થાનિક તંત્ર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, પાણી સમિતિ અધ્યક્ષ હિમાંશુભાઈ રાઉલજી, કોર્પોરેટર અગ્રણીઓ કૈલાશબેન સોલંકી અને દીપેશભાઈ પટેલ, સુરત સિંચાઈ વર્તુળના કાર્યપાલક ઈજનેર(કાંકરાપાર નહેર)શ્રી સતિષ પટેલ, ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર બી.કે.પથાણી, અધિક્ષક ઈજનેરશ્રી એસ.બી.દેશમુખ સહિત સિંચાઈ અધિકારી/કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.





