સુરત જિલ્લામાં તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી થશે: કલેકટર તેજસ પરમાર

SHARE:

સમગ્ર રાજયની સાથે સુરત જિલ્લામાં તા.૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના ભાગરૂપે સપ્તાહ દરમિયાન તાલુકાઓમાં યુવા સંમેલન, મહિલા સંમેલન, પ્રબુધ્ધ નાગરિક સંમેલન, પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશેઃ જિલ્લા કલેકટર તેજસ પરમાર

સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો તથા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ.

માલીબા કેમ્પસ ખાતે જોહાર કેફે તથા કરચેલીયા ખાતે શબરી બુથ શરૂ થશેઃ

તા.૧૩મીએ છ વિધાનસભાઓમાં યુવા સંમેલનો યોજાશેઃ

૧૩મીએ યુવા સંમેલનમાં માંગરોળના વાંકલ ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોર તથા મહુવા ખાતે આદિજાતિમંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશેઃ
આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને દેશની આઝાદીની લડતમાં આદિવાસી મહાનાયકોના અમૂલ્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી દર વર્ષે ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

સુરત સરકીટ હાઉસ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદી, ધારાસભ્યશ્રી સર્વશ્રી કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ ઢોડીયા, ઈશ્વરભાઈ પરમાર, મુકેશભાઈ પટેલ તથા જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમાર, માંડવીના પ્રાયોજના વહીવટદારશ્રી, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સૌને જોડાવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે માંડવીના ધારાસભ્ય અને પૂર્વ શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૧થી ઝારખંડના ખૂંટી ગામથી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની ઐતિહાસિક શરૂઆત કરવામાં આવી છે. ‘ધરતી આબા’ તરીકે પૂજાતા ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની વયે અંગ્રેજો સામે અદમ્ય સાહસ અને વીરતા દાખવી દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. માનગઢના શહીદો અને આદિવાસી સમાજના આ ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરવા તેમજ સમાજના છેવાડાના માનવી જેવા કે કોલઘા, કાથોડી, કોટવાળિયા, પઢાર અને સિંધી સમાજના ઉત્થાન માટે સરકારે ‘પીએમ-જનમન’ આવાસ, વનબંધુ કલ્યાણ યોજના અને જંગલની જમીનના અધિકારો (FRA) જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં જોડ્યા છે.
વધુમાં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ ઉમેર્યું હતું કે, આગામી ૧૫મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓ, ૫૩ વિધાનસભા મતવિસ્તારો અને ૮ મહાનગરપાલિકાઓમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટા ઉદેપુર ખાતેથી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વલસાડ ખાતેથી સહભાગી થશે. સુરત જિલ્લાના માંડવી સહિત તમામ વિધાનસભા વિસ્તારોમાં યોજાનાર આ જનજાગૃતિ અભિયાન અને ગૌરવ દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોને ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજ્યના મહાનગરપાલિકા અને વિધાનસભા વિસ્તારોમાં ભવ્યતાથી ઉજવણી કરાશે. વડાપ્રધાનશ્રી અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેક જલકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ ૨૦૦૨થી આદિવાસી સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે લેવાયેલા પગલાંઓ અને ‘વનબંધુ કલ્યાણ યોજના’થકી આદિવાસી પરિવારોમાં આવેલા આમૂલ પરિવર્તન વિશે કહ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે પણ રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લામાં તા.૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન આદિવાસી સમાજની કલા-કૌશલ્ય, વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી મહાનાયકોના યોગદાનને ઉજાગર કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તા.૧૩મીએ છ વિધાનસભા વિસ્તારમાં યુવા સંમેલનો, તા.૧૪મીએ દરેક ગામોમાં સ્વચ્છતા અભિયાન, બિરસા મુંડાજીની આરતી, દીપોત્સવ, તા.૧૫મીએ બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે છ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમો તથા મહાનગરપાલિકાએ એક કાર્યક્રમ, તા.૧૬મીએ માંડવી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, તા.૧૭મીએ તાલુકા સ્તરે ગિલ્લી-દંડા, તીરંદાજી, રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો સહિતની પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાશે.

તા.૧૮મીએ છ વિધાસભા વિસ્તારોમાં આદિજાતિ મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સદસ્યો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે.

*શબરી બુથ અને જોહાર કેફે દ્વારા સ્થાનિક ઉત્પાદનોને મળશે પ્રોત્સાહન*
આદિજાતિ વિસ્તારોમાં શબરી બુથ અને જોહાર કેફે શરૂ કરી સ્થાનિક આદિવાસી ઉત્પાદનો, વનપેદાશો અને પરંપરાગત વસ્તુઓને બજાર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અને પ્રદર્શનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સુરત જિલ્લામાં મહુવા તાલુકાના કરચેલીયા ગામ ખાતે શબરી બુથ નક્કી કરવામાં આવશે. જયારે આદિજાતિ જુથોની કુશળતા અને આવકમાં વધારો થાય તે માટે સ્થાનિક ઉત્પાદનો બજાર અને લોકોને આરોગ્ય પ્રદ પરવડે તેવું ભોજન મળી રહે તે માટે મહુવા તાલુકાના ઉકા તરસાડીયા યુનિ., માલીબા કેમ્પસ ખાતે જોહાર કેફે શરૂ કરવામાં આવશે.

*૧૩ નવેમ્બર: યુવા સંમેલન*
સુરત જિલ્લાઓના ૬ વિધાનસભા ક્ષેત્રોમાં સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી યુવા સંમેલન યોજાશે, જેમાં ૫૦૦ જેટલા યુવાનો સાથે સંવાદ કરવામાં આવશે. સુરત જિલ્લામાં માંડવી સાઈ મંદીર ખાતે, માંગરોળના વાંકલ, મહુવાના અસ્મિતા ભવન, બારડોલી ટાઉનહોલ, કામરેજના દલપત રામા ભવન ખોલવડ કોલેજ અને ઓલપાડ તાલુકાના ગાયત્રી મંદિરમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

*૧૪ નવેમ્બર: સ્વચ્છતા અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો*
આદિજાતિ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સવારે સ્વચ્છતા અભિયાન, ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ, પ્રાર્થના તથા સાધુ-સંતોનું સન્માન કરવામાં આવશે. સાંજે ગ્રામ પંચાયત કક્ષાએ ભગવાન બિરસા મુંડાની આરતી, દીપ પ્રાગટ્ય, જીવન ઇતિહાસનું વાચન, ભજન તથા સ્થાનિક આદિવાસી બોલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાંજે ૬.૦૦ વાગ્યે વિવિધ ગામોમાં દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

*૧૫ નવેમ્બર: મુખ્ય જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી*
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સુરત જિલ્લાના માંડવી, બારડોલી, માંગરોળ, મહુવા, ઓલપાડ, કામરેજ તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક-એક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેશે.
સુરત જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નીચેના આઠ સ્થળોએ કરવામાં આવશે.
માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે, માંગરોળ APMC માર્કેટની સામેનું ગ્રાઉન્ડ, મહુવાના ક્રિકેટ ગ્રાઉન્ડ વલવાડા ખાતે, બારડોલીના નાંદીડા ચોકડી, કામરેજના શામપુરા સાંસ્કૃતિક ભવન, ઓલપાડ તાલુકા મથકે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાશે.

*૧૬ નવેમ્બર: પ્રબુદ્ધ નાગરિક સંમેલન*
સુરત જિલ્લાના માંડવી નગરપાલિકાના ઓડિટોરીયમ ખાતે સાંજે ૪.૦૦ વાગે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે. આ સંમેલનમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષણવિદો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો, સામાજિક કાર્યકરો, વિવિધ ક્ષેત્રની મહિલાઓ તથા પ્રગતિશીલ ખેડૂતો સહિતના મહાનુભાવો સાથે સંવાદ કરવામાં આવશે.

*૧૭ નવેમ્બર: પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ*
સુરત જિલ્લાની છ વિધાનસભા ક્ષેત્રોમાં સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યા દરમિયાન પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાશે. જેમાં ગિલ્લી-દંડા, તીરંદાજી, રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો સહિતની પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાશે. સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, મહુવા, બારડોલી, કામરેજ અને ઓલપાડ તાલુકાઓમાં પણ રમતોત્સવનું આયોજન કરવામાં આવશે.

*૧૮ નવેમ્બર: મહિલા સંમેલન*
સુરત જિલ્લાના છ વિધાનસભા ક્ષેત્રોમાં સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી મહિલા સંમેલનો યોજાશે. જેમાં અંદાજે ૫૦૦ આદિજાતિ મહિલાઓ સાથે સંવાદ કરવામાં આવશે. સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, મહુવા, બારડોલી, કામરેજ અને ઓલપાડ તાલુકાઓમાં મહિલા સંમેલનનું આયોજન કરાયું છે.
આમ સમગ્ર સપ્તાહ દરમિયાન જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના માધ્યમથી આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા, પરંપરાઓ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા નવી પેઢીને આદિવાસી મહાનાયકોના જીવન અને સંઘર્ષથી પ્રેરણા મળશે તેમજ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને નવી દિશા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!