વિધાનસભા ખાતે નાણાંવિભાગની અંદાજપત્રીય માંગણીઓ સંદર્ભે માનનીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની સ્પીચ
● નાણાં વિભાગ ●
હું આ સન્માનનીય ગૃહને જણાવવા માંગુ છું કે, રાજયનો નાણા વિભાગ નિયત કરવામાં આવેલ ધોરણોનું ચુસ્તપણે પાલન કરી આવક અને ખર્ચનું ખૂબ જ શિસ્તબધ્ધ રીતે વ્યવસ્થાપન કરી રહયો છે. અમારા આ વિભાગની અસરકારક કામગીરીને કારણે રાજય સરકાર સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ઓવરડ્રાફટ નથી લેવો પડયો તેમજ આપણે છેલ્લા ૧૩ વર્ષથી મહેસૂલી પૂરાંતવાળા બજેટ રજૂ કરી રહયા છીએ.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં અગ્રેસર રહીને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું બજેટ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની અમારી સરકારે રજુ કર્યુ છે.
આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું સકલ ઘરેલુ ઉત્પાદન (GSDP) ‘રૂ.૪૨ લાખ કરોડ કરતાં વધુ’ લઇ જવા અમે સંકલ્પબધ્ધ છીએ. દેશના જી.ડી.પી.માં રાજયની હિસ્સેદારી ૧૦% જેટલી કરી, વર્ષ ૨૦૪૭ પહેલા રાજયની હાલની અર્થવ્યવસ્થાને ૦.૨૮ ટ્રિલિયન યુ.એસ.ડોલરથી વધારી ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલર કરવાનું અમારુ લક્ષ્ય છે.
અગાઉના વર્ષ કરતાં આ બજેટમાં અમે કેટલાક વિભાગોની બજેટ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો કરેલ છે જેમ કે,
● રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની જોગવાઇઓમાં ૩૫%,
● આરોગ્યની જોગવાઇઓમાં ૩૨%,
● આદિજાતિની જોગવાઇઓમાં ૨૮%,
● શિક્ષણ વિભાગની જોગવાઇઓમાં ૨૬%,
● અન્ન અને નાગિરક પુરવઠાની જોગવાઇમાં ૨૫%
● વન અને પર્યાવરણની જોગવાઇઓમાં ૨૫%,
● ક્લાઈમેટ ચેન્જની જોગવાઇઓમાં ૨૪%,
● ગૃહ વિભાગની જોગવાઇઓમાં ૨૧% નો વધારો કર્યો છે.
આમ, રાજયનું અંદાજપત્ર તૈયાર કરતી વખતે સમાજના સર્વે વર્ગોના આરોગ્ય અને સુખાકારી, સલામતી, શૈક્ષણિક વિકાસ, જરૂરિયાતમંદો, તેમજ યુવાઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. જેના દ્વારા અમે ગરવુ, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ ગુજરાત બનાવવા કટીબધ્ધ છીએ.
જાહેર દેવા દ્વારા ઊભા કરવામાં આવેલ સંસાધનોનો ઉપયોગ રાજય સરકાર દ્વારા વિકાસ કાર્યો માટે કરવામાં આવે છે. રાજયનો ઊંચો વિકાસ દર અને તે અન્વયે ઊંચુ એકંદર ઘરગથ્થુ ઉત્પાદન આ વાતની પુષ્ટિ કરે છે. દેશની ૫% વસ્તી ધરાવતું ગુજરાત દેશના જી.ડી.પી.માં ૮.૨૦% તેમજ નિકાસમાં ૩૧.૭૫% હિસ્સો ધરાવે છે. ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે.
આમ, માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, ‘દેશના ગ્રોથ એન્જિન’ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની પ્રજાને ડબલ એન્જીનની સરકારના લાભ ખરા અર્થમાં મળી રહયા છે.
રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના (GSDP) પ્રમાણમાં રાજવિત્તીય ખાધનું (Fiscal Deficit) પ્રમાણ વર્ષ ૨૦૨૩-૨૪ (સુધારેલા અંદાજો)” મુજબ નિયત કરેલી ૩% ની મર્યાદા સામે ૧.૭૨% જેટલું નીચું અંદાજેલ છે.
રાજ્યનું અર્થતંત્ર સાતત્યપુર્ણ રીતે વિકસી રહેલ છે. ચાલુ ભાવે રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GSDP) નાણાકીય વર્ષ ૨૦૧૧-૧રમાં રૂ. ૬,૧૫,૬૦૬ કરોડ હતું તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના અગ્રિમ અંદાજ મુજબ રૂ. ૨૨,૩૦,૬૦૯ કરોડ અદાંજેલ છે.
ગુજરાતના ‘પનોતા પુત્ર’ અને ભારતના પ્રધાનમંત્રીશ્રી માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબને હું અભિનંદન આપુ છું કે તેઓ સમગ્ર ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષનો કાયદો તા.૦૧/૦૭/૨૦૧૭ થી અમલમાં લાવ્યા. આ કાયદાથી સમગ્ર ભારતમાં “વન નેશન વન ટેક્સ” નો સિદ્ધાંત અમલી બન્યો છે. આ કાયદાથી રાજ્યો રાજ્યો વચ્ચે થતી બિનજરૂરી હરિફાઇનો અંત આવ્યો છે.
GST ની અમલવારી સમયે રાજયમાં કરદાતાઓની સંખ્યા ૫ લાખ ૮ હજાર હતી જે આજે ૧૧ લાખ ૭૨ હજાર છે જે ૧૩૦% નો વધારો દર્શાવે છે. તે રીતે GST તેમજ વેટ હેઠળની આવક પણ ૪૯ હજાર કરોડથી વધીને ૧ લાખ ૪ હજાર કરોડ ઉપરાંતની થઇ છે. જે માટે હું વેપારી મિત્રો તથા GST ના કર્મચારીઓને અભિનંદન આપું છું.
‘બાયોમેટ્રીક પધ્ધતિથી જીએસટી હેઠળ રજીસ્ટ્રેશનની’ સુવિધા પુરી પાડવા ‘સમગ્ર રાજયમાં ૧૨ GST સેવા કેન્દ્રો’ (GSK)” ઊભા કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા ઉભી કરનાર ગુજરાત પ્રથમ રાજય છે. આ વ્યવસ્થાથી ‘કરચોરી અટકાવવામાં’ મદદ મળશે તેમજ દસ્તાવેજોનો દુરૂપયોગ કરી બોગસ રજીસ્ટ્રેશન નંબર લેનાર લોકોને અટકાવી શકાશે. અન્ય રાજ્યો માટે આ એક મોડલ વ્યવસ્થા સાબિત થઇ રહી છે જે આપણા માટે ગર્વની બાબત છે.
આપણા સૌ માટે આનંદની વાત છે કે દેશના સૌ પ્રથમ GST સેવા કેન્દ્રનો પ્રારંભ કેન્દ્રીય નાણા મંત્રીશ્રી, માનનીય નિર્મલાજીએ વાપી એટલે કે ગુજરાત ખાતેથી કર્યો હતો.
જીએસટીના અસરકારક અમલીકરણના કારણે ટેક્સ બેઝ વધ્યો છે. જૂન, ૨૦૧૭માં જીએસટીની અમલવારી થઇ તે સમયે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા ૫,૦૮,૮૬૩ હતી જે વધીને આજે ૧૧,૭૨,૯૫૩ થયેલ છે. આમ, કરદાતાઓની સંખ્યામાં ૧૩૦% જેટલો વધારો થયેલ છે.
સરળ અને પારદર્શક કર વસુલાત પધ્ધતિને કારણે ગુજરાતના વેપારીઓ નિયમિતપણે પત્રકો ભરી શકે છે. જેને પરિણામે, જીએસટી રીટર્ન ફાઇલીંગમાં સરેરાશ ૯૮% થી વધુ ફાઇલીંગ સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને રહેલ છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ઇ-વે બીલ ચકાસણીમાં પ્રથમ ક્રમે અને ઇ-વે બીલ જનરેટ કરવામાં સતત બીજા સ્થાને રહેતુ આવ્યું છે.
જી.એસ.ટી, વેટ, વીજ કર અને વ્યવસાય વેરા થકી વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ગ્રોસ આવક રૂ.૧,૧૪,૮૬૪ કરોડની થયેલ છે. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ૧ લાખ કરોડની કર આવકના સીમાચિહ્નને પાર કરેલ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં પણ રાજ્ય કર ખાતાની આવકમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં રાજ્યને રૂ.૯૯,૨૫૮ કરોડની કૂલ આવક થયેલ છે.
વેટ કાયદા, સેસ કાયદા, વ્યવસાય વેરા કાયદા તેમજ વીજશુલ્ક કાયદા અંતર્ગત વ્યાજના વાર્ષિક દર ૧૮% થી ઘટાડી ૧૨% કરીને વેપારી વર્ગને મોટી રાહત આપવામાં આવેલ છે.
રાજ્યમાં સ્થાનિક કક્ષાએ રોજગારીનું સર્જન કરતી Imitation zari thread તેમજ Metallized yarn જેવી ચીજ-વસ્તુઓ પરનો વેરાનો દર ૧૮%થી ઘટાડી ૫% કરેલ છે.
Educational Institutions માં પ્રવેશ માટે Entrance Exam લેતી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પ્રસ્થાપિત કોઇ પણ સંસ્થા અને National Testing Agency ને વેરામુક્તિ આપી વિધાર્થીઓ પરથી વેરાનું ભારણ દૂર કરેલ છે.
સુગર મિલમાંથી બાયપ્રોડકટ તરીકે નિકળતા મોલાસીસનાં સપ્લાય પર ૨૮% ને બદલે ૫% વેરો કરવામાં આવેલ છે. જેને લીધે બાયો ઇથેનોલ સસ્તુ થશે અને ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહન મળશે.
મેક ઇન ઇન્ડીયા” ને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારનાં સપ્લાયર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી “Satellite launch services” ને વેરામાફીનો લાભ આપવામાં આવેલ છે.
રૂ.૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓ માટે E-invoice ની સુવિધા ચાલુ કરેલ છે જેથી ઇ-વે બિલ. GSTR-1 તેમજ GSTR-3B ભરવામાં વેપારીઓને સરળતા રહે.
નાના વેપારીઓને વેપાર કરવામાં સરળતા રહે તે માટે અમારી સરકાર સદાય ચિંતિત રહે છે. માસ દરમ્યાન ટર્નઓવર ન હોય અને વેરાકીય જવાબદારી ન આવતી હોય તેવા નાના કરદાતાઓ SMS થી પત્રક ભરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.
૧.૫ કરોડ સુધીના ટર્ન ઓવર ધરાવતા નાના વેપારીઓને, નાના ઉત્પાદકો, ટ્રેડર્સ, તથા રેસ્ટોરન્ટસને ખાસ સુવિધા તરીકે ઉચ્ચક વેરો ભરપાઇ કરવાની સુવિધા અને ત્રિમાસિક ધોરણે પત્રકો રજુ કરવાની સુવિધા પુરી પાડવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રૂ. ૧.૫ કરોડથી ઓછું ટર્નઓવર હોય તેવા ૯૪,૦૦૦ થી વધુ કરદાતાઓએ ઉચ્ચક વેરો ભરવાનો લાભ લીધેલ છે.
રૂપિયા ૨ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતાં કરદાતાઓને વર્ષ ૨૦૨૨-૨૩ માટે વાર્ષિક પત્રક રજુ કરવું મરજીયાત કરેલ છે.
વાર્ષિક રૂ.૫ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે “ક્વાર્ટલી રીટર્ન મંથલી પેમેન્ટ” (QRMP) ની સુવિધા છે. જેમાં કરદાતાએ GSTR-3B પત્રક ત્રિમાસિક ધોરણે અને વેરો દર માસે ભરવાનો રહે છે. ગુજરાતના અંદાજે ૪ લાખ જેટલા કરદાતાઓ આ સુવિધાનો લાભ મેળવી રહ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે રાજયવેરા ખાતાને જીએસટી, વેટ, ઇલેકટ્રીસીટી ડયુટી અને વ્યવસાય વેરા માટે રૂા.૧,૦૫,૬૫૯ કરોડના રીવાઇઝડ લક્ષ્યાંક સામે તા.૨૦/૨/૨૦૨૪ની સ્થિતિએ આ આવક રૂા.૧,૦૬,૯૦૯ કરોડ થયેલ છે. આમ, ફકત ૧૧ મહિનામાં જ રાજયવેરા ખાતાએ પોતાનો વાર્ષિક લક્ષ્યાંક હાંસલ કરેલ છે.
“નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી” દ્વારા રાજય સરકારના કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકો તેમાજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ અને કોલેજોના નિવૃત્ત થતાં કર્મચારીઓનું પેન્શન અધિકૃત કરવાની કામગીરી કરવામાં આવે છે.
રાજ્ય સેવાના કર્મચારીઓના GPF, મકાન પેશગી, વાહન પેશગીના હિસાબો નિભાવવાની કામગીરી પણ આ કચેરી દ્વારા કરવામાં આવે છે. આ કચેરીની કામગીરી ઝડપી અને પારદર્શક રીતે IFMS સિસ્ટમ મારફતે કરવામાં આવે છે.
રાજ્યના અંદાજીત સાડાચાર લાખથી વધુ પેન્શનરોને દર માસે અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયા પેન્શનનું ચુકવણુ તિજોરી કચેરીઓ દ્વારા ઇ-પેમેન્ટથી સીધે સીધુ પેન્શનરના ખાતામાં સમયસર જમા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જાન્યુઆરી-૨૪ સુધીમાં રાજય સરકાર દ્વારા પેન્શનરોને કુલ રૂ. ૨૦,૫૮૧ કરોડ નિવૃત્તિના લાભો પેટે ચૂકવવામાં આવેલ છે.
પેન્શનરો ઘરેબેઠાં હયાતીની ખરાઈ કરી શકે તે માટે “જીવન પ્રમાણ પોર્ટલ” ની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે. પેન્શનરોને થતી વિવિધ ચુકવણીઓ જેવી કે, પેન્શનનું મૂડીકૃત રૂપાંતર, ગ્રેજ્યુઇટીની રકમ વગેરેનું ચુકવણુ ઇ-પેમેન્ટથી કરવામાં આવે છે. દર માસની પહેલી તારીખે પેન્શનની રકમ પેન્શનરના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
નાણાં વિભાગ હેઠળ તિજોરીઓ તથા હિસાબી સંવર્ગના સંચાલન માટે વર્ષ ૧૯૬૦ થી “નિયામક, હિસાબ અને તિજોરીઓનું તંત્ર” કાર્યરત કરેલ છે. આ તંત્ર દ્વારા ૩૩ તિજોરીઓ અને ૧૬૨ પેટા તિજોરીઓ મારફત રાજય સરકારની આવકો સ્વીકારવાની અને ખર્ચ અંગેના બીલોને લગતી કામગીરી કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમથી કરવામાં આવે છે. Goods and Service Tax (GST) અંતર્ગત રાજ્યની આવકોના એકાઉન્ટીગ માટે અલાયદી “e-Pay and Account Office” ગાંધીનગર ખાતે કાર્યરત છે.
રાજ્યના કરની સમયસર ઓનલાઈન વસૂલાત માટે સાયબર ટ્રેઝરી પોર્ટલ કાર્યરત છે. જે અંતર્ગત GST, પ્રોફેશનલ ટેક્સ, રોયલ્ટી, રોડ ટેક્સ, લેબર ફી અને સીક્યુરીટી ડિપોઝીટ, સ્ટેમ્પ ડ્યુટી વગેરે આવકનું ઓનલાઇન Collection થાય છે. કચેરીની મુલાકાત લેતા નાગરિકોને તેમજ કામ કરતા કર્મચારીઓને કામના સ્થળે સારી સુવિધા મળી રહે તે માટે નાણા વિભાગની ક્ષેત્રિય કચેરીઓના રીનોવેશન માટે રૂપિયા ૧૦.૪૦ કરોડ ફાળવ્યા છે.
રાજ્યની પંચાયતી રાજની સંસ્થાઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને યુનિવર્સિટીઓનું ઓડીટ નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે.
હું ગુજરાત સરકારના અગત્યના જાહેર સાહસની વાત કરૂં તો, માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ અદ્યતન GIFT CITY ની કલ્પના કરી હતી તે સાકાર થવા જઇ રહી છે. આજે વિશ્વની નામાંકિત બેંકો, ઇન્સ્યુરન્સ કંપનીઓ તેમજ બે આંતરરાષ્ટ્રીય એકસચેન્જ અહી કાર્યરત છે. નવી બિઝનેસ ગતિવિધિઓ જેવી કે, આર્બીટ્રેશનની સુવિધાઓ, એરક્રાફટ અને શીપ લીઝિંગને મંજૂરી આપવામાં આવી છે. દેશનું સૌ પ્રથમ બુલિયન માર્કેટ પણ ગીફટ સિટીમાં શરૂ થયેલ છે. તેથી આવનારા દિવસોમાં ગુજરાત વૈશ્વિક નાણાકીય વ્યાપારનું પણ કેન્દ્ર બનશે.
નાણા અને ઊર્જા વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન પક્ષના અને વિપક્ષના જે પણ મિત્રોએ પોતાના મંતવ્યો કે સૂચનો રજૂ કર્યા છે તે માટે તે સૌનો આભાર માનું છું. રજુ થયેલ રચનાત્મક / હકારાત્મક સૂચનોને આવકારું છું અને તેના અમલ માટે પણ અમે યોગ્ય તે વિચારણા કરીશું.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની લોકપ્રિય સરકારે GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શકિતના વિકાસ માટે આ બજેટમાં ખાસ ભાર મૂક્યો છે.





