વિધાનસભા ખાતે ઉર્જાવિભાગની અંદાજપત્રીય માંગણીઓ સંદર્ભે માનનીય ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની સ્પીચ
સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જની વિપરીત અસરોનો સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વ નેતા અને માનનીય વડાપ્રધાનશ્રી મોદીજીએ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કોલસો ગેસ જેવા પ્રદૂષણ કરતા બળતણનો ઉપયોગ ઓછો કરવા અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ‘ગ્રીન ગ્રોથ’ પર ખાસ ભાર મૂક્યો છે. વડાપ્રધાનશ્રીના આ આહવાનને સિધ્ધ કરવા બિનપરંપરાગત ઊર્જાના વિકલ્પો શોધવા આવયશ્યક છે. આપણે રીન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા દ્વારા ‘એનર્જી સીકયોરીટી’, ‘ક્લીન એનર્જી’ અને ‘નેટ ઝીરો કાર્બન’ એમ ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ કરવામાં આવેલા ‘મિશન ગ્રીન હાઈડ્રોજન’ અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનુ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં પણ ગુજરાત મહત્તમ યોગદાન આપશે.
ગુજરાત રાજયમાં ‘રીન્યુએબલ એનર્જીના સ્ત્રોત’ વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે જેના થકી ‘ગ્રીન હાઇડ્રોજન’ અને ‘ગ્રીન એમોનિયા’નું ઉત્પાદન કરવાની ક્ષમતા રહેલી છે. રાજયમાં નિકાસ કરવા માટેની પૂરતી માળખાકીય સુવિધા અને વ્યવસ્થા ઉપલબ્ધ છે જેથી ગુજરાત રાજય ગ્રીન હાઈડ્રાજનના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ‘હબ’ બનવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-2030માં નિર્ધારીત કરવામાં આવેલ ‘500 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્યાંકને’ પહોંચી વળવા ગુજરાત રાજય પણ અંદાજીત 100 ગીગાવોટ કેપેસીટી સ્થાપિત કરવા માટે કટિબધ્ધ છે. જેનાથી રાજયના સસ્ટેનેબલ વિકાસ અને ઊર્જા સુરક્ષાને વેગ મળશે તથા સસ્તા દરે વીજળી પણ ઉપલબ્ધ થશે.
મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ શકે તેમજ દેશની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનો ફાળો/યોગદાન આપી શકે તે માટે માન.મોદીજી દ્વારા તાજેતરમાં જ પી.એમ. “સૂર્ય ઘર” યોજના જાહેર કરેલ છે. જે થકી સમગ્ર દેશમાં ૧ કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ સ્થાપીત કરવાનું આયોજન છે. ગુજરાત રાજય રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં 82 ટકાના ફાળા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. ત્યારે પી.એમ. સૂર્ય ઘર યોજનાનો મહત્તમ લાભ લઈ રાજયમાં વધારેમાં વધારે સોલાર રૂફ ટોપ સ્થાપીત કરવામાં આવશે.ભારત સરકારની સાથે કદમ મીલાવી અમારી ડબલ એન્જીનની સરકાર રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા સતત કામ કરી રહી છે. તેના ભાગરૂપે ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અમે તાજેતરમાં ‘નવી RE Policy-2023 જાહેર’ કરી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-2003’ થકી તેમણે અવિરત વિકાસ યાત્રાની જે કેડી કંડારી હતી. તેમાં આગળ વધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની અમારી ટીમ ગુજરાતે ‘વાયબ્રન્ટ ગુજરાતની ૧૦મી આવૃત્તિ’ તાજેતરમાં જ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આ સમિટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે આશરે ૨૯૫ જેટલા એમ.ઓ.યુ. થયેલ જેના થકી અંદાજીત રૂ. ૧૧ લાખ કરોડથી પણ વધુ રોકાણ ગુજરાતમાં થનાર છે અને અંદાજીત ૪ લાખ ૫૦ હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળવાની સંભાવના રહેલ છે. જે રાજયની અર્થ વ્યવસ્થાને વેગ આપવાની સાથે સાથે રાજયની એનર્જી સિકયોરીટી (ઊર્જા સુરક્ષા) પણ સુનિશ્ચિત કરશે. ઓકટોબર- 2018માં આયાતી કોલસાનો ભાવ રૂ. 7358 પ્રતિ મેટ્રિક ટન જેટલો હતો, જે ઓકટોબર 2022 માં રૂ.૨૭૪૭૩ પ્રતિ મેટ્રિક ટન જેટલો થઇ ગયેલ. આ વિકટ પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારના સહયોગથી અમારી ડબલ એન્જીનની સરકારે રાજયમાં વીજ કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ થવા ન દઇ રાજયના ખેડૂતો સહિતના તમામ ગ્રાહકોને સતત વીજ પુરવઠો પૂરો પાડયો છે. વર્ષ-૨૦૦૨માં ગુજરાત રાજ્યનો per capita electricity consumption ૯૫૩ યુનિટ હતો જે આજે વધીને ૨૪૦૨ યુનિટ થયેલ છે, જે વીજ વપરાશમાં તથા ઉપલબ્ધતામાં થયેલ સતત વૃદ્ધિ દર્શાવે છે.
વર્ષ-2002માં રાજયની મહત્તમ વીજ માંગ 7743 મે.વો. હતી જે વર્ષ-2023માં વધીને 24,544 મે.વો.થયેલ છે. છેલ્લા 21 વર્ષમાં વીજ માંગમાં થયેલ 3 ગણો વધારો રાજયના સર્વાંગી વિકાસની સાથે સાથે વિકાસમાં વીજળીની અગત્યતા દર્શાવે છે. આટલા મોટા પ્રમાણમાં વીજ માંગ હોવા છતાં પણ અમે વિના વિક્ષેપ રાજયના નાગરિકોને સતત અને ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો ઉપલબ્ધ કરાવેલ છે. જયારે પણ કેન્દ્ર સરકારના સહયોગની રાજ્યના વિકાસ માટે જરૂર પડી ત્યારે માન. કેન્દ્રિય સહકારિતા અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબનો સંપૂર્ણ સહયોગ મળેલો છે. એ પછી કોલસાનો જથ્થા માટે હોય કે પછી સેન્ટ્રલ સેક્ટર તરફથી પાવર સપ્લાય માટે હોય. એમના તરફથી આપણને સતત મદદ અને માર્ગદર્શન મળતું રહેલ છે આથી, આ તબક્કે હું શ્રી અમિતભાઇ શાહનો પણ આભાર વ્યક્ત કરું છું.
હજુ પણ સતત વધતી આર્થિક વિકાસની ગતિ તેમજ સામાજીક સુવિધાઓને લીધે વીજળીની જરૂરિયાતમાં ઘણો વધારો થવાનો અવકાશ છે જેને પહોંચી વળવા અમે આગોતરા આયોજનો કરેલ છે.‘રીન્યુએબલ એનર્જી’ દરેક સમયે ઉપલબ્ધ ન હોવાના કારણે ‘ગ્રીડની સલામતી તથા વિશ્વસનીય વીજળી’ પૂરી પાડવા ફોસીલ ફયુઅલ આધારિત થર્મલ પાવર પ્રોજેકટસની પણ જરૂરીયાત રહે છે.
આથી રાજયની અવિરત વિકાસ યાત્રામાં વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા, રાજય સરકાર હસ્તકની વિવિધ કંપનીઓ દ્વારા આગામી વર્ષોમાં કુલ-8050 મેગાવોટની વીજ ક્ષમતામાં વધારો કરવાનું આયોજન છે. ‘ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ’ દ્વારા સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ થકી ‘2400 મેગાવોટની’ વીજ ક્ષમતા વધારવાનું આયોજન છે.
રાજય સરકાર હસ્તકના જાહેર સાહસ GMDC ને ઓરીસ્સા રાજયમાં કુલ-2 કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવેલી છે. જે અંતર્ગત સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ થકી 4400 મેગાવોટની વીજ ક્ષમતા પ્રાપ્ત કરી ગુજરાત રાજયના ગ્રાહકોની ભવિષ્યની વીજ માંગને પૂરી પાડવાનું આયોજન વિચારેલ છે. રાજયમાં ઉપલબ્ધ લિગ્નાઇટના જથ્થાને વાપરી આશરે 1250 મેગાવોટ લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટ કચ્છ, ભાવનગર તેમજ ભરૂચ નાંખવાનું આયોજન છે.
અમારી સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે અને ખેડૂતોને ૯૦% થી વધુ રાહત દરે વિજળી પુરી પાડી રહી છે તેમજ ઇલેકટ્રીસીટી ડયુટી ભરવામાંથી માફી આપવી, રાહતદરે વીજ કનેકશન આપવું જેવાં અનેક ખેડૂતલક્ષી પગલાંઓ લેવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી “કિસાન સૂર્યોદય યોજના’’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વિજળી આપવા વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્રમાં રૂ.૧૫૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવા ખૂબજ મહત્વની બાબતો જેવી કે (૧) હયાત વીજ માળખાનું સુદ્રઢીકરણ અને (ર) દિવસ દરમ્યાનની વીજ માંગને સંતોષવા માટે જરૂરી વીજ ઉત્પાદન ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. પી.એમ. કુસુમ યોજના અંતર્ગત જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પીયત માટે ડિઝલથી ચાલતા પંપસેટને બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ એલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય કરવામાં આવે છે.
કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ-સુફલામ અંતર્ગતની ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઇ માટે વીજ જોડાણ આપવાની ખેડૂતોની રજૂઆત હતી. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇના માર્ગદર્શન હેઠળ અમારી સરકારે સરફેસ વોટરનો ઉપયોગ કરનાર ખેડૂતોને ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
વનવિસ્તારના સામાન્ય યોજનાના અરજદારો કે જેમને હયાત ગ્રીડથી પરંપરાગત વીજજોડાણ આપવું ટેકનો-કોમર્શિયલ વાયેબલ ન હોય તે વિસ્તારના અરજદારોને સોલાર પંપ સેટ માટે ભરવાપાત્ર ફાળાની જગ્યાએ નહિવત ફાળો ભરવાનો અને બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડીરૂપે આપવામાં આવે છે તથા આદિજાતિ યોજનાના અરજદારોએ કોઇ ફાળો ભરવાનો રહેતો નથી. આ યોજના માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂા.૧૫૨.૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. કાર્યક્ષમ વીજ વિતરણથી રાજયના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણાવત્તાયુકત વીજ પુરવઠો મળે તે માટે કેન્દ્ર સરકારે ‘રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ’ જાહેર કરી છે. આ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂા.૧૨૮૪.૯૧ કરોડની જોગવાઇ કરી છે.
RDSS યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં રાષ્ટ્રીય સ્તરે “વિજ વિતરણ લોસ ૧૨ થી ૧૫ %” તેમજ ગુજરાતમાં “૧૦.૫૦ % સુધી” ઘટાડવાનું આયોજન છે.
RDSS યોજનાથી સ્માર્ટ મીટરીંગ, વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજ પુરવઠો મળશે તેમજ વીજ વિતરણ કંપનીઓની માળખાકીય સુવિધામાં વધારો થશે અને નાણાંકીય વ્યવસ્થા સુચારુ બનશે.સાગરખેડૂ વિકાસ યોજના હેઠળ ટ્રાન્સમિશન નેટવર્કના સુદ્રઢીકરણ માટે રૂા.૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આદિજાતિ વિસ્તારોમાં અંદાજીત ‘૪૬૫.૭૬ કરોડના’ ખર્ચે ૧૨,૯૪૫ કૂવાનું વીજળીકરણ કરવાનું આયોજન છે. આદિજાતિ વિસ્તારોમાં ૧૮ નવા સબસ્ટેશનો બનાવવા અને તેને સંલગ્ન વીજ પ્રવહન લાઈનોની કામગીરી માટે રૂ.૧૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
‘અનુસૂચિત જાતિના’ અંદાજીત ૫,૪૯૫ લાભાર્થીઓના ઘરોનું વીજળીકરણ કરવાનું આયોજન છે.વર્ષ ૨૦૨૪-૨૫ માં ‘અનુસૂચિત જાતિ’ના અંદાજીત ૭૧૦ ખેડૂતોને ખેતીવિષયક વીજજોડાણ આપવાનું આયોજન છે.
નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે વિસ્તારોમાં રસ્તાઓના વિસ્તૃતીકરણ અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ હયાત વીજ વિતરણ રેષાઓ અને સંલગ્ન વીજમાળખાનું શીફ્ટીંગ/રીપ્લેસમેન્ટ કરવા માટે DISS (Distribution Infrastructure Shifting Scheme) યોજના માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂા.૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા અને જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલમાં તબદીલ કરવા વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂા.૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
ખેડૂતોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહે તે માટે જર્જરિત વીજવાયરો અને આનુષાંગિક ઉપકરણો બદલવાની કામગીરી ઉપરાંત ખેતીવિષયક ફીડરોનાં વિભાજનની કામગીરી માટે રૂા.૭૫.૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
તાઉતે અને બીપોરજોય જેવા વિનાશક વાવાઝોડાઓનો ગુજરાતે સામનો કર્યો છે. તે સમયે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ અને સતત માર્ગદર્શન આપવામાં આવેલ અને આપણા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક કરી સમગ્ર વહિવટી તંત્રને કામે લગાડેલ અને સમગ્ર તંત્રએ કરેલી અદભૂત કામગીરીની હું પ્રશશા કરૂં છું.
મને કહેતા ગર્વ થાય છે કે, આટલું વિનાશક વાવાઝોડુ અને તેના લીધે અપાર નુકસાન થયેલ હોવા છતાં 72 કલાકમાં જ આપણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દીધેલો.
આ અનુભવ બાદ આવી કુદરતી આપત્તિઓના સમયે વીજ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન ન થાય અને વીજ પુરવઠો ખોરવાઇ ના જાય તે હેતુથી ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ માળખાને સાયકલોન પ્રતિરોધક બનાવવા સારૂ વર્ષઃ 2024/25 માં રૂ.100 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
¤ વીજ પ્રવહન ક્ષેત્રવીજ ક્ષેત્ર (Transmission Network)
સને ૨૦૦૨ પહેલાં વર્ષમાં ૧૬ થી ૧૭ સબસ્ટેશન બનતા હતા. અમે છેલ્લા ૧૨ વર્ષથી દર વર્ષે અંદાજે ૯૫ જેટલા સબસ્ટેશનો બનાવીએ છીએ. તેને આગળ વધારતાં આગામી વર્ષે ૩૮૪૦ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન તથા ૯૫ સબસ્ટેશનો બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જે માટે રૂા.૪૮૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
‘સમગ્ર ભારતમાં’ ૩૧ જાન્યુઆરી–૨૦૨૪ ની સ્થિતિએ ૪૪,૯૬૯ મેગાવોટ ક્ષમતા ના વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવેલ છે. જે પૈકી ‘૧૧૨૨૪ મેગાવોટ’ ની ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ સ્થાને છે. જે દેશમાં સ્થપાયેલ પ્રોજેકટના આશરે ૨૪.૯૬ ટકા જેટલા થાય છે.
રાજ્યમાં ૩૧ જાન્યુઆરી–૨૦૨૪ ની સ્થિતિએ સ્થાપિત સોલાર પ્રોજેક્ટોની વીજક્ષમતા ૧૦૫૪૯ મેગાવોટ છે, જે આશરે ૧૪.૨૦ ટકાના યોગદાન સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે.
રાજ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોની કુલ સ્થાપિત ક્ષમતા ‘૨૩,૯૬૭ મેગાવોટ’ જે દેશમાં બીજા સ્થાને છે. છે. જે સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા ૧,૮૨,૦૨૭ મેગાવોટની સાપેક્ષે ૧૩.૧૭ ટકા જેટલી છે.
ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન ખાતે ૮૦૦ મેગાવોટ ક્ષમતાનો સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્રોજેકટ, ૧૧૨૫ મેગાવોટ ક્ષમતા ના સૌર ઊર્જા એકમ અને ૧૮૦૦ મેગાવોટ ક્ષમતા ના તરતા સૌર ઊર્જા એકમો (ફ્લોટીંગ સોલાર) ની સ્થાપના કરવાનું આયોજન છે. જે માટે સંયુકત રીતે રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
રાજયના કેટલાક વીજ મથકોનું આધુનિકીકરણ કરવા ખૂબ જ જરૂરી છે જેથી વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને વીજ મથકોની અવધિમાં પણ વધારો થાય. સદર કામગીરી માટે રૂા.૩૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
¤ ગેસ ક્ષેત્રઃ-
આપણાં દેશની એલ.એન.જી. ટર્મિનલ રિ-ગેસીફીકેશન ક્ષમતા ૪૨.૭ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. જે પૈકી અંદાજે ૬૫ ટકા એટલે કે ૨૭.૭ મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા ગુજરાતમાં કાર્યરત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આયાત થતા એલ.એન.જી.નો ૮૫ ટકા જેટલો હિસ્સો એકલા ગુજરાતનો છે.
GSPC સમગ્ર દેશમાં ગેસનો વેપાર કરતી બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં GSPCએ પ્રતિ દિન ૧૧.૮ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનું વેચાણ કર્યુ છે.
¤ ગેસ ટ્રાન્સમિશનઃ-
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા ૨૭૧૫ કિલોમીટર ટ્રાન્સમિશન પાઇપલાઇન નેટવર્ક થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં નેચરલ ગેસનો પુરવઠો ઘરેલુ ગેસ જોડાણ, વ્યાપારી અને ઔદ્યોગિક એકમો તથા સી.એન.જી. સ્ટેશનોને પૂરો પાડવામાં આવે છે.
જીએસપીએલ અને તેની પેટા કંપનીઓ દ્વારા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગણા વગેરે રાજ્યમાં નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે. તેમજ વિસ્તૃતીકરણનું આયોજન પણ ચાલી રહ્યું છે.
¤ ગેસ ડિસ્ટ્રીબ્યુશનઃ-
ગુજરાત ગેસ લિમિટેડ ભારતની સૌથી મોટી ગેસ વિતરણ કંપની છે. જેણે ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ગુજરાતના ૨૦ જિલ્લા આવરી લીધા છે.
ગુજરાત ગેસે આશરે ૩૧,૬૦૦ કિલોમીટર લાંબા શહેરી ગેસ વિતરણ (CGD) નું નેટવર્ક સ્થાપ્યું છે અને ૫૪૭ CNG સ્ટેશન સ્થાપ્યા છે.
ગુજરાત ગેસ PNG ગેસનું આશરે ૧૮ લાખ ૨૨ હજાર ઘરેલુ ગ્રાહકોને વિતરણ કરે છે તેમજ ૪૧૭૭ ઔદ્યોગિક એકમ અને ૧૩ હજાર ૭૦૮ વ્યાપારી એકમને ગેસ પુરો પાડે છે.
ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ૫૯ જેટલા સ્મશાનગૃહમાં વિના મુલ્યે PNG ગેસ પૂરો પાડવામાં આવી રહયો છે.
સાબરમતી ગેસ લિમિટેડ એ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ગુજરાતના ૫ જિલ્લા આવરી લીધા છે.
આ કંપનીએ ૧૫૯ CNG સ્ટેશન સ્થાપ્યા છે તેમજ PNG ગેસનું આશરે ૨.૬૫ લાખ ઘરેલુ ગ્રાહકોને વિતરણ કરે છે તેમજ ૪૧૯ ઔદ્યોગિક એકમ અને ૧,૧૧૭ વ્યાપારી એકમને ગેસ પુરો પાડે છે.





