વિકસિત ભારત: વિકસિત ગુજરાત
ઓલપાડની આર્ટસ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ૧૭૩૯ આવાસોનું લોકાર્પણ અને ગૃહ પ્રવેશ યોજાયો
પોતાના ઘરનું સપનું સાકાર કરી સરકારે હજારો પરિવારોને ખુશીઓની સોગાદ આપી: વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
મંત્રીશ્રીનો આવાસના લાભાર્થી સાથે સંવાદ: મહાનુભાવોના હસ્તે ગૃહ નિર્માણના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડની આર્ટસ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવાસોનો લોકાર્પણ અને ગૃહપ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં સુરત સહિત રાજ્યભરમાં યોજાયેલા સામૂહિક આવાસ અર્પણના કાર્યક્રમ હેઠળ ઓલપાડમાં ૧૭૩૯ નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે બેસતા મહિનાના શુભ દિને નવનિર્મિત આવાસ મેળવનારા લાભાર્થીઓને અભિનંદન પાઠવી મંત્રીશ્રી મુકેશભાઈએ વિકસિત ભારતની સંકલ્પના સાકારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી આવાસ યોજનાની માહિતી આપી હતી. ગરીબ, વંચિત અને મધ્યમવર્ગીય લોકોને પી.એમ આવાસ, હળપતિ આવાસ તેમજ BLC આવાસોની યોજના હેઠળ મળતા પાકા મકાનની જાણકારી આપી સરકારના પ્રયાસોની સરાહના કરી હતી.
વિવિધ યોજનાઓ હેઠળ અત્યાર સુધી ઓલપાડ તાલુકામાં અપાયેલા ૧૪૭૫૮ આવાસની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઘરના ઘરનું સપનું સાકાર કરી સરકારે હજારો પરિવારોને ખુશીઓની સોગાદ આપી છે. આ સાથે જ તેમણે સમાજના વિવિધ વર્ગો માટે અમલી બનેલી આવાસ, આહાર, આરોગ્ય, શિક્ષણ, તેમજ વ્યવસાય ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી લોકોને તેનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી.
ગામેગામ ફરી છેવાડાના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી સરકારની વિકસિત ભારત તરફની તટસ્થ આગેકૂચનો સંદેશો આપ્યો હતો. ગાંધીજીથી પ્રેરિત થઈ લોકોમાં દૈનિક સ્વચ્છતાની આદત જગાડતી સ્વચ્છ ભારત યાત્રાનો ધ્યેય સ્પષ્ટ કરતા દેશમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.
યુવાધનને ધંધા કે વ્યવસાય અર્થે મળતી પીએમ કૌશલ્ય તાલીમ અને વિશ્વકર્મા યોજનાની જાણકારી આપી વિકસિત અને ઉન્નત ભારતની સંકલ્પના પાર પાડવા સરકારના સફળ પ્રયાસોની વાત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘી, તાલુકા પં.પ્રમુખ નીતાબેન પટેલ, સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ, ઓલપાડ સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, સંગઠન મહામંત્રી સુનિલભાઈ, જિ.પં.સદસ્ય અશોકભાઇ રાઠોડ, તા.પં. ઉપ પ્રમુખ કિરણભાઈ પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, કોર્પોરેટરો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી, કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





