પાંડેસરા જી.આઈ.ડી.સીના અમીન સિલ્ક મિલ્સ પ્રા. લિમી. ડાઇંગ મીલમાંથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમકોટેડ યુરિયાની ૧૩,૬૧૬/- કિંમતની ૪૬ બેગો ઝડપાઈ
ખાતરના જથ્થાનું ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરવા બદલ મિલમાલિકો સામે કાયદાકીય કાર્યવાહી
પાંડેસરા જી.આઈ.ડી.સીમાં આવેલી અમીન સિલ્ક મિલ્સ પ્રા.લિ ડાઇંગ મિલમાંથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની ૪૬ બેગનો જથ્થો ઝડપાતા ખેતી અધિકારીઓએ દ્વારા ખાતરના જથ્થાનું ઊંચાભાવે ગેરકાયદેસર વેચાણ કરવા બદલ મિલમાલિકો સામે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખેતી અધિકારીઓ શ્રી વિશાલકુમાર કોરાટ તથા વી.આર. મેતલિયા, આર.બી.પટેલ, ડી.જે.હાંસોટીયાની સંયુક્ત સ્કવોડ ટીમ દ્વારા ગત તા:૧૨/૧/૨૦૨૪ના રોજ સુરતના પાંડેસરા જી.આઈ.ડી.સીના પ્લોટ નં. ૮૩,૮૪,૮૫માં આવેલી અમીન સિલ્ક મિલ્સ પ્રા.લિ. ડાઇંગ મીલ કે જેના ડાયરેકટરો ઈકબાલ કુંડા, ઈલ્યાસ હાજી ઈબ્રાહીમ કુંડા, ઉમર ઈકબાલ કુંડા, યુસુફ ઈલ્યાસ કુંડા તથા મેનેજર શાહિદ પટેલને ત્યાં તપાસ કરતા વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની પ્રત્યેકમાં ૫૦ કિલોગ્રામ વજનવાળી કુલ ૪૬ બેગ જોવા મળી હતી. જેની કુલ કિંમત ૧૩,૬૧૬/- થાય છે. બેગોમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો હોવાનું પણ જણાતા તેમજ આ જથ્થા સંદર્ભે સંતોષકારક ખુલાસો ન મળતા
પાંડેસરા ખેતી અધિકારી-સુરત સિટી વિશાલકુમાર કોરાટે તા.૧૯મી જાન્યુ.એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ઈકબાલ કુંડા, ઈલ્યાસ હાજી ઈબ્રાહીમ કુંડા, ઉમર ઈકબાલ કુંડા, યુસુફ ઈલ્યાસ કુંડા તથા મેનેજર શાહિદ પટેલ સહિત આ ખાતરનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા વ્યક્તિઓ/સંસ્થા સામે સરકારના સબસિડીયુકત ખેત વપરાશનું નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર સંગ્રહ અને કાળા બજાર કરી ઊંચા ભાવે વેચાણ કરવા બદલ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





