’૧૫મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ’ અંતર્ગત આદિવાસી યુવાઓએ ઔદ્યોગિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી
ઝારખાંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આદિવાસી યુવાઓએ સુરત પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત આદિવાસી યુવાઓએ ઔદ્યોગિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. ઝારખાંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આદિવાસી યુવાઓએ સુરત પોલીસ કમિશનર સાથે મુલાકાત, પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર અને અશ્વનિદર્શન, ડોગ સ્કવોડથી માહિતગાર થયા હતા. ઉપરાંત, સુમુલ ડેરીમાં દૂધનું પ્રોસેસિંગ, દૂધની આઈટમો, બેકરી પ્રોડક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશનરશ્રીએ યુવાઓને સુરત શહેરનો વિકાસ, કાયદો અને ન્યાય વ્યવસ્થા વિષે જણાવી યુવાઓ નક્સલવાદના ઓછાયાથી બહાર આવીને પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે માર્ગદર્શન આપ્યું હતું.
અડાજણના પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ગુજરાતની સંસ્કૃતિની ઝલક બતાવી ગરબા કાર્યક્રમમાં આદિવાસી યુવાઓને ગરબાના વિવિધ સ્ટેપ્સ શીખવાડી ગરબે રમાડવામાં આવ્યા હતા.
નેહરુ યુવા કેન્દ્રના ગુજરાત રાજ્ય નિર્દેશક મનીષા શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના નેતૃત્વમાં નવસારી, પાટણ, દમણ અને સિલવાસાના જિલ્લા યુવા અધિકારીઓ, કાર્યક્રમ સંયોજકો અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કરવામાં આવ્યું છે.





