પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સહાયક અધિક્ષક અનિલાબેન લાડને અપાયું નિવૃત્તિ વિદાયમાન
પ્રાદેશિક માહિતી કચેરી, સુરત ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલાબેન યોગેશભાઇ લાડ તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ વયનિવૃત્ત થતા સંયુકત માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ મછાર અને નાયબ માહિતી નિયામક સુશ્રી. ભાવનાબેન વસાવા તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું હતું.
અનિલાબેન લાડના પતિ યોગેશભાઇ લાડ પણ માહિતી ખાતામાં જિલ્લા માહિતી કચેરી-નવસારી ખાતે માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા. જેઓનું તા. ૦૩/૦૧/૨૦૦૧ના રોજ રેલ્વે અકસ્માતમાં નિધન થતા પરિવારની જવાબદારી અનિલાબેન લાડ પર આવી પડી હતી. માતાની જવાબદારી તો ખરી જ સાથે પિતા તરીકેની પણ તમામ જવાબદારી નિભાવી હતી. એકલા હાથે બે દિકરીઓને ભણાવી ગણાવીને સાસરે વળાવવા સુધીની જવાબદારી બખુબી સાથે નિભાવી હતી. સાસુની દેખરેખ પણ તેઓ હાલમાં કરી રહ્યા છે.
તા.૩૧/૦૫/૨૦૦૨ના રોજ તેમજ તેમને સરકારની રહેમરાહે નોકરીની યોજના અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી, સુરત ખાતે જુનિયર ક્લાર્ક તરીકે નિમણુંક આપવામાં આવી હતી. અનિલાબેન તેમની કાર્યદક્ષતાને કારણે અધિકારી/કર્મચારીના માનીતા બની ગયા ગયા હતા. વર્ષ ૨૦૧૪ની વીસમી ઓકટોબરના રોજ તેઓને સિનિયર કારકુન તરીકે બઢતી આપી તેમની નિમણુક જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૨૧/૧૦/૨૦૨૨ના રોજ તેમની સહાયક કચેરી અધિક્ષક તરીકે પ્રાદેશિક માહિતી કચેરી, સુરત ખાતે બઢતી થઈ હતી. અનિલાબેન મિતભાષી સ્વભાવને કારણે અધિકારીથી લઇને કચેરીના નાનામાં નાના કર્મચારી વર્ગમાં એમણે આગવું સ્થાન મેળવ્યું હતું. કામ પ્રત્યેના તેમના સમર્પણ, સાથી કર્મચારીઓ પ્રત્યે આત્મીય વ્યવહાર, મદદરૂપ થવાની ભાવના તેમનું જમાપાસુ હતું.
૨૧ વર્ષની દીર્ઘકાલીન સેવા દરમિયાન તેમણે માહિતી વિભાગને પોતાનો પરિવાર માનીને કામગીરી અદા કરી હતી. સહાયક માહિતી નિયામક ઉમેશભાઇ બાવીસા, સહાયક માહિતી નિયામક મહેન્દ્રભાઇ વેકરિયા, સહાયક માહિતી નિયામક ચીમન વસાવા, ટેકનિકલ આસિસ્ટન્ટ નરેશ પટેલ, માહિતી મદદનીશ અભિષેક ગામીત, સહાયક અધિક્ષક જીતેન્દ્ર વસાવા, સેવક પ્રકાશ વાર્લેકર તેમજ કચેરીના અન્ય કર્મચારીઓએ અનિલાબેન સાથેના સંસ્મરણો વાગોળી નિવૃત્ત જીવન સુખરૂપ અને નિરામય પસાર થાય એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.





