કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામના સુરેન્દ્રસિંહ મહીડાની આયુષ્માન ભારત યોજના થકી વિનામૂલ્યે હદયની બાયપાસ સર્જરી શકય બની.
વિકસિત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પરિભ્રમણ કરીને છેવાડાના માનવી સુધી યોજનાના લાભો પહોંચાડી રહ્યો છે, છેલ્લા વર્ષોમાં સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લિધા હોય તેવા જરૂરીયાતમંદોના મુખેથી તેમની સાફલ્યગાથાઓ આ વિકસિત ભારત યાત્રાના રથમાં સાંભળવા મળી હતી.
સુરત જિ્લલાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામના લાભાર્થી ખેડૂત સુરેન્દ્રસિંહ મહીડા કહ્યું કે, હું વર્ષોથી ખેતીકામ કરીને ઘર-પરિવારનું ગુજરાન ચલાવું છું. ૨૦૧૮ના વર્ષમાં હદયમાં સામાન્ય દુઃખાવો થતો હતો. ઘણા સમય સુધી ધ્યાને ન લીધો. દુખાવો અસહ્ય થતા એન્જિયો પ્લાસ્ટિ કરાવી તો હદયની નળીઓ બ્લોક અને સંકોચિત થઈ હોવાનું નિદાન થયું. ત્યારે આશાવર્કર બહેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે મને જાણકારી આપી અને ઓપરેશન પણ વિના મૂલ્યે થતું હોવાનું કહ્યું હતું.
જેથી સુરેન્દ્રસિંહ મહીડાએ તત્કાલ આયુષ્માન ભારતનું કાર્ડ કઢાવીને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ બાયપાસ સર્જરી કરાવી હતી. તેઓ કહે છે કે, ૭૨ વર્ષે પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યો છું. આ યોજનાને પરિણામે મને ભારે ખર્ચમાંથી મુકિત મળી છે. જો આ યોજના ન હોત તો બીજા પાસેથી ઉછીના પૈસા લાવીને મારે ઓપરેશન કરાવવું પડયું હોત. સાચે જ આ યોજના અમારા પરિવાર ઉપર ઓચિંતા આવી પડતી આફત સામે આર્થિક રીતે મદદરૂપ બની છે. સરકાર આરોગ્યલક્ષી યોજનાથકી લાખો લોકોના આરોગ્યની કાળજી લઈ રહી છે જે બદલ સુરેન્દ્રસિંહ મહીડાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.




