સુરત જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ માટે બાળમજૂરી વિરોધી સાઇન બોર્ડ પ્રદર્શિત કરવા વહીવટી તંત્રનો આદેશ
સુરત જિલ્લાના ટેક્સટાઈલ ઉદ્યોગમાંથી કેટલીક સંસ્થાઓ અને પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા ૮૬ જેટલા બાળશ્રમિકોને મુક્ત કરાવવાની ઘટના સામે આવી હતી. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ સુરત શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળ અને તરૂણ મજૂરી નિવારણ અંગે કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત સુરત શહેર અને જિલ્લામાં આવેલા તમામ GIDC એસ્ટેટ, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, બાંધકામ સાઇટો અને જાહેર સ્થળો પર “બાળ મજૂરી કાયદેસર ગુનો છે” તે દર્શાવતા સાઇન બોર્ડ ફરજિયાતપણે લગાવવાનો આદેશ કરાયો છે. આ સાઇન બોર્ડમાં ‘બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬’ હેઠળની મુખ્ય દંડનીય જોગવાઈઓ તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ (Toll-Free) નો સ્પષ્ટ ઉલ્લેખ ગુજરાતી અને હિન્દી ભાષામાં કરવાનો રહેશે. કાયદાના ઉલ્લંઘન બદલ માલિકને ૬ મહિનાથી ૨ વર્ષ સુધીની જેલ અથવા ₹૨૦ હજાર થી ₹૧ લાખ સુધીના દંડની જોગવાઈ છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાળમજૂરી નાબૂદી માટે આ નિયમોનું ચુસ્ત પાલન ન કરનારા એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.




