૩૦ નવેમ્બર સુરત જિલ્લાના ઉમરપાડા, કામરેજ, માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોમાં વિકસીત ભારત યાત્રાનો શુભારંભ થશે
કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાશે
તા.૩૦ નવેમ્બરના રોજ ૧૬માં દિવસે સુરત જિલ્લાના ઉમરપાડા, કામરેજ, માંગરોળ અને ઓલપાડ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ૮ ગામોમાં ફરશે. જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી ગ્રામજનો સુધી પહોંચે અને જરૂરિયાતમંદોને લાભ મળી રહે તે હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી લોકોને જાગૃત કરશે.
ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે સવારે ૧૦:૩૦ અને વાડી ગામે બપોરે ૨:૩૦ , કામરેજના શેખપુર ગામે સવારે ૧૦:૦૦ અને ધાલુડી ગામે બપોરે ૩:૦૦, માંગરોળના પીપોદરા ગામે સવારે ૧૦:૩૦ અને પાલોદ ગામે બપોરે ૩:૦૦ તેમજ ઓલપાડના કીમ ગામે સવારે ૧૧:૦૦ કલાકે અને કઠોદરા ગામે બપોરે ૨:૦૦ કલાકે રથનું આગમન થશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. સાથે જ ગ્રામવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર નિર્મિત ફિલ્મ બતાવાશે, લાભાર્થીઓ સાથે સંવાદ કરાશે તેમજ ૧૧:૩૦ કલાકે વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સ્પીચનું પ્રસારણ કરાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા,સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ છે.



