Traffic Tail

સુરત જિલ્લામાં આગામી તા.૧૫ નવે.થી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

SHARE:

સુરત જિલ્લામાં આગામી તા.૧૫ નવે.થી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

જિલ્લાની તમામ ૬૯૪ ગ્રામ પંચાયતોમાં પાંચ રથ પરિભ્રમણ કરી સરકારની ૧૭ જેટલી યોજનાઓથી નાગરિકોને લાભાન્વિત કરશે

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આગામી તા. ૧૫ ના રોજ યાત્રાધામ અંબાજીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘વિકસિત ભારત યાત્રા’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી સુરત જિલ્લામાં તા.૧૫મી નવે.થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાશે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી.
આગામી તા.૧૫ નવેમ્બર, ભાઈબીજના દિવસે યાત્રાધામ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા આદિજાતિ વિસ્તારોમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ અને બાકીના વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓ તેમજ આદિજાતિ વિસ્તારો માટે વિશેષ પાંચ યોજનાઓની માહિતી અને લાભો લાભાર્થીઓના ઘર-ઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બર-૨૦૨૩ થી તા. ૨૫ જાન્યુઆરી-૨૦૨૪ સુધી એટલે કે અઢી મહિના સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરત જિલ્લાને પાંચ આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જનસેવાના ઉદ્દેશ સાથે યોજાનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને અપાશે. યાત્રા દરમિયાન સુરત જિલ્લાની ૬૯૪ ગ્રામ પંચાયતોમાં મહત્તમ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી આયોજન સાથે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે અને યોજનાકીય લાભો અપાશે. ગામેગામ આ યાત્રાનું સ્વાગત અને લાભાર્થીઓની સફળવાર્તા સહિતના કાર્યક્રમો યોજાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઈઝર યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓ તેમજ આદિજાતિ લાભાર્થીઓ માટેની સિકલ સેલ એનીમિયા એલિમીનેશન મિશન, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કુલમાં નોંધણી, શિષ્યવૃત્તિ યોજનાઓ, વન અધિકાર- વ્યક્તિગત અને સામુદાયિક જમીન, વન ધન વિકાસ કેન્દ્ર સ્વસહાય જૂથોનું આયોજન જેવી યોજનાઓને આવરી લેવામાં આવી છે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસૂલ) પી.સી.પટેલે સુરત જિલ્લામાં વિકસિત ભારત યાત્રાના આયોજન અંગેની રૂપરેખા આપતા જણાવ્યું કે, સુરત જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા જિલ્લાની ૬૯૪ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. પરિભ્રમણના રૂટ પણ નિયત કરવામાં આવ્યા છે. ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પ યોજાશે. સરકારની યોજનાઓને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. આ અભિયાન હેઠળ યોજનાલક્ષી હોર્ડીંગ્સ, સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, યાત્રા દરમિયાન કાર્યક્રમના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ સ્થાનિક કક્ષાએ યોજાશે. શહેરી વિસ્તારમાં યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રનું વિતરણ તથા મંજૂર કરેલી લોનનું ડિસ્બર્સમેન્ટ, મંજૂર કરેલા હપ્તાઓની સહાય એનાયત કરાશે. આ માટે વિવિધ યોજનાઓના ફોર્મ મેળવવા કેમ્પનું આયોજન કરી કેમ્પેઈન મોડમાં કામગીરી કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી.ઝાલા, પ્રાયોજના વહીવટદાર નિધિ સિવાચ, બારડોલી પ્રાંત અધિકારીશ્રી જિજ્ઞા પરમાર, માંડવી પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!