અરેરે… અનાજ કાઢતાં જ કાળ ભેટ્યો! અંબિકા તાલુકાના સાંબા ગામે વીજ કરંટથી મહિલાનું કરૂણ મોત
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના સાંબા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના જુના પટેલ ફળિયામાં રહેતા 42 વર્ષીય અન્નાબેન શૈલેષભાઇ પટેલનું પોતાના ઘરે જ અચાનક વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ 23 જુલાઈ 2026ના રોજ સવારે આશરે 8:30 વાગ્યાના અરસામાં અન્નાબેન પોતાના ઘરે સુમુલદાણ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગતા તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ઘટના બનતા જ પરિવારજનો દ્વારા તેમને તુરંત જ સારવાર અર્થે નજીકના વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના પતિ શૈલેષભાઇ પ્રદીપભાઇ પટેલે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





