ઐતિહાસિક, પૌરાણિક – ભૌગોલિક વિશેષતાઓથી સમૃદ્ધ અને અરબી સમુદ્રને મળતી પવિત્ર ‘લોકમાતા સૂર્યપુત્રી તાપીમૈયા’
વિશ્વભરમાં તાપી નદી એકમાત્ર એવી નદી છે જેનો પ્રાગટ્ય દિવસ ભાવપૂર્વક વિશેષરૂપે અને હર્ષોલ્લાસ સાથે સુરતી લોકો ઉજવે છે
જગતમાં દક્ષિણ થાઈલેન્ડની સૌથી મોટી નદીનું નામ પણ તાપી છે.

દર વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ સુદ સાતમ ના રોજ તાપી અવતરણ દિવસ (તાપી જયંતિ) તરીકે પરંપરાગત રીતે સુરતીઓ ભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. પૌરાણિક માન્યતા અનુસાર સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડવાથી સૂર્યપુત્રી મા તાપીનો જન્મ થયો હતો. વિશ્વભરમાં તાપી નદી એકમાત્ર એવી નદી છે જેનો પ્રાગટ્ય દિવસને યાદ કરીને વિશેષરૂપે સુરત અને તેની આસપાસના કાંઠા વિસ્તારોમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે.
મા તાપી એટલી પવિત્ર છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે: “ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના આચમનથી, નર્મદાના દર્શનથી અને સૂર્યપુત્રી તાપી નદીના માત્ર સ્મરણથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પુરાણ કથાઓ અનુસાર ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તાપ્તિ’ પરથી ઉતરી આવ્યો છે અને તાપી પુરાણમાં તેનો મહિમા તથા તેની કિનારે આવેલા પૌરાણિક મંદિરોની ગાથાઓ લખાઈ છે.
ઇ.સ. ૧૬૦૪ માં સૌપ્રથમ વખત ગોકર્ણે ‘તાપી પુરાણ’ સંસ્કૃત ભાષામાં લખ્યું હતું અને તેના પરથી વર્ષ ૧૯૩૨માં ચીમનલાલ પંડ્યાએ ‘તાપી મહાત્ત્ય’ રચ્યું હતું. ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશ કરી શકતા હોવાથી સુરત એક ઐતિહાસિક પ્રખ્યાત વ્યાપાર વાણીજ્ય ક્ષેત્રે બંદર બન્યું હતું.
મુઘલકાળ દરમિયાન સુરતના ડક્કા ઓવારાથી (જે પહેલા મક્કા ઓવારા તરીકે ઓળખાતું) હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે સમુદ્રમાં પ્રવેશતા હતા. દક્ષિણ થાઈલેન્ડની સૌથી મોટી નદીનું નામ પણ તાપી છે અને વર્ષ ૧૯૧૫માં થાઈલેન્ડના બૌદ્ધ પ્રવાસી ભારતમાં સૂર્યપુત્રી તાપી વિશેની માહિતીથી પ્રભાવિત થઈ નદીનું પાણી પોતાની સાથે થાઈલેન્ડ લઈ જઈ ત્યાંની નદીમાં અર્પણ કર્યું હતું, ત્યારથી ત્યાં તે નદીનું નામ તાપી રાખવામાં આવ્યું તેમજ કિનારે વસેલા શહેરનું નામ ‘સુરતથાની’ રાખવામાં આવ્યું છે.
તાપી નદીનું ઉદ્દગમસ્થાન મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનાં મહાદેવની ટેકરીઓમાં આવેલા બેતુલ સરોવરમાંથી (સાતપુડા પર્વતમાળામાંથી) છે. તાપી નદીની કુલ લંબાઈ ૭૫૨ કિ.મી. અને ગુજરાતમાં તેની લંબાઈ ૨૨૪ કિ.મી. છે. તે ખાનદેશ (મહારાષ્ટ્ર)માંથી વહી તાપી જિલ્લાના નિઝર તાલુકાના વ્યાલ ગામ પાસે હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. તાપી નદી પર મહારાષ્ટ્રના ભુસાવળ નજીક હથનૂર ડેમ તેમજ પ્રકાશા બેરેજ બાંધવામાં આવ્યો છે અને ગુજરાતમાં ઉકાઈ બંધ તથા કાંકરાપાર બંધ આવેલા છે. વર્ષ ૧૯૭૨માં પૂર્ણ થયેલી ઉકાઈ બહુહેતુક યોજનાથી રચાતા સરોવરને વલ્લભસાગર સરોવર કહે છે અને માંડવી તાલુકાના કાંકરાપાર ખાતે વર્ષ ૧૯૫૪માં કાંકરાપાર સિંચાઈ યોજના પૂર્ણ થઈ હતી. તાપી નદી મુખત્રિકોણ (ડેલ્ટા) બનાવતી નથી પરંતુ એશ્ચ્યુરીનું નિર્માણ કરે છે અને તેનું મુખ ખંભાતના અખાતને અરબ સાગરથી અલગ કરે છે.
લોકમાતા તાપી નદી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે અને ભક્તિભાવનો ધબકાર છે

તાપી નદી દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી અને બારમાસી નદી છે. ગુજરાતમાં તાપી નદીની લંબાઈ નર્મદા નદી કરતા વધારે છે, પરંતુ પાણીના જથ્થાને આધારે તે નર્મદા પછી બીજા નંબરે આવતી મોટી નદી છે. તાપી નદી મધ્યપ્રદેશમાં ૧૫%, મહારાષ્ટ્રમાં ૭૯% અને ગુજરાતમાં ૬% જેટલો ડ્રેનેજ વિસ્તાર ધરાવે છે. તાપી નદીના મુખ પાસે ડુમસ નજીક કિડિયાબેટ આવેલો છે જ્યાં લાકડા ગણેશનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ નદીની સહાયક નદીઓમાં આમલી, ભારુદ, દેવ-ચાંદની, વાધુર, ગીરવા, બોરી, અનેર, પૂર્ણા, પાંજરા, અમરાવતી, વાંકી, ગોમાઈ, બુરાઈ, શિવા, વરેલી અને નેસુનો સમાવેશ થાય છે. તેમજ તેના કિનારે સુરત, કામરેજ, નિઝર, ઉચ્છલ, સોનગઢ, માંડવી જેવા શહેરો-નગરો વસેલા છે, અને સુરતથી ૨૪ કિ.મી. દૂર પૂર્વમાં તાપી કિનારે બોધાન નામનું ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર બાર વર્ષે મેળો ભરાય છે. આમ, સૂર્યપુત્રી તાપીનો પ્રાગટ્ય દિવસ સુરતીઓ અને ભાવિકો- સાધુસંતો હર્ષોલ્લાસ સાથે અલગ અલગ કિનારાઓ પર તાપી મૈયાની પૂજા અને ચુંદડી અર્પણ કરીને કરે છે આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમી આ પોતીકી લોકમાતા સૌના સુરતીઓના માનસપટલ પરઅજર અમર છે દર વર્ષે આ દિવસે જહાંગીરપુરાના કુરુક્ષેત્ર ખાતે સવારના સમયે તેમજ ડક્કા ઓવારા પર સાંજના સમયે ભક્તો ૧૧૦૦ મીટર લાંબી ચુંદડી જળમાં અર્પણ તાપીમૈયાનું સ્મરણ કરે છે. આ નદી માત્ર નદી નથી પરંતુ દક્ષીણ ગુજરાતની ધરતીનો ધબકાર છે.





