૧૮૧ અભયમ ટીમની સંવેદનશીલતા: રઝળપાટ કરતી ૬૦ વર્ષીય વૃદ્ધાને આશ્રયસ્થાન અપાવ્યું:
પરિવારથી ત્યજાયેલા અને છેલ્લા ૩-૪ વર્ષથી ઓટલા પર રાત વિતાવતા મહારાષ્ટ્રના માજીને ડિંડોલીના ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત છત મળી:
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક જાગૃત નાગરિકની સતર્કતા અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરીને કારણે એક નિરાધાર વૃદ્ધાને નવું જીવન મળ્યું છે. છેલ્લા ચાર વર્ષથી રઝળપાટ કરતા ૬૦ વર્ષીય વૃદ્ધાને અભયમની ટીમે પ્રેમપૂર્વક સમજાવી ડિંડોલી સ્થિત વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો છે.
ઘટનાની વિગત મુજબ, ભેસ્તાન વિસ્તારની એક સોસાયટીમાં એક માજી નિરાધાર હાલતમાં ફરી રહ્યા હોવાની જાણ એક નાગરિકે ૧૮૧ હેલ્પલાઇન પર કરી હતી. ઉમરા અભયમની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ડરના માર્યા કંઈ પણ બોલવા તૈયાર ન થતા માજીને ટીમે કાઉન્સેલિંગ દ્વારા વિશ્વાસમાં લીધા હતા.
મૂળ મહારાષ્ટ્રના વતની આ વૃદ્ધાએ રડતી આંખે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પરિવારે તેમને ત્યજી દીધા હતા. છેલ્લા ૩-૪ વર્ષથી તેઓ સુરતના રસ્તાઓ પર ભટકી રહ્યા હતા, લોકો જે આપે તે ખાઈ લેતા અને ઓટલા પર રાત પસાર કરતા હતા. તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી અભયમ ટીમે ડિંડોલીના ઓલ્ડ એજ હોમ સાથે સંકલન કરી તેમને ત્યાં પ્રવેશ અપાવ્યો હતો.
૧૮૧ અભયમ ટીમની આ સમયસરની સતર્કતા અને સંવેદનશીલતાને કારણે એક નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત છતની સાથે હૂંફભર્યો આશરો સાંપડ્યો છે. જાગૃત નાગરિકની સમયસૂચકતા અને અભયમ ટીમની માનવીય અભિગમ સભર કામગીરી કરી હતી.



